કોહલી, અનુષ્કા ઈટાલી જવા રવાના થયા? લગ્નની અફવા જોરમાં

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની ગર્લફ્રેન્ડ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઈટાલીમાં લગ્ન કરવાનાં છે એવી અફવાએ ચકચાર જગાવી છે.
આ બધી અફવા છે એવું અનુષ્કાનાં પ્રવક્તાએ જણાવ્યું છે તે છતાં અનુષ્કા ગઈ કાલે એનાં પરિવારજનોની સાથે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. અનુષ્કાએ એનાં પરિવારજનોની સાથે ગુરુવારે રાતે મુંબઈથી સ્વિસ એરવેઝની ફ્લાઈટ પકડી હતી અને વિરાટ કોહલી દિલ્હી એરપોર્ટથી એ જ ફ્લાઈટમાં રવાના થયો હતો. કોહલી રાતે 11.30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો હતો. તે ફ્લાઈટ વહેલી સવારે 2.45 વાગ્યે ઉપડી હતી. આમ, બંને જણ એક જ ફ્લાઈટમાં રવાના થયા હોવાના અહેવાલને પગલે એમનાં લગ્નની અફવાએ જોર પકડ્યું છે.

એવા અહેવાલો છે કે કોહલી અને અનુષ્કા 12 ડિસેમ્બરે ઈટાલીના મિલાન શહેરમાં લગ્ન કરવાના છે.

એ બંને જણ ગઈ કાલે રાતે પહેલાં સ્વિટ્ઝર્લેન્ડ જવા રવાના થયા છે અને ત્યાંથી ઈટાલી જવાના છે.

અનુષ્કા શર્મા તેનાં પરિવારજનો સાથે ઈટાલી જવા રવાના થઈ છે અને વિરાટ કોહલી પણ દિલ્હી એરપોર્ટ પર દેખાયો હતો.

કોહલી અને અનુષ્કા પહેલાં ઈટાલીના ટસ્કની જશે અને ત્યાંથી મિલાન શહેરમાં જશે. ટસ્કની અને મિલાન શહેર વિમાનમાર્ગે માત્ર 40 મિનિટના અંતરે આવેલા છે.

વિરાટ અને અનુષ્કા લગભગ ચારેક વર્ષથી એકબીજાનાં પ્રેમમાં છે. બંને જણ અનેકવાર જાહેરમાં સાથે દેખાયાં છે અને કોહલી પ્રેમસંબંધનો એકરાર પણ કરી ચૂક્યો છે.