પહેલી વન-ડેમાં ભારતને 7-વિકેટથી હરાવી 1-0ની લીડ લેતું શ્રીલંકા

ધરમશાલા – વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે ટેસ્ટ સિરીઝ 1-0થી હારી જનાર શ્રીલંકાએ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સામે વન-ડે સિરીઝમાં વિજયી પ્રારંભ કર્યો છે. આજે અહીં રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાએ ભારત ઉપર સાત-વિકેટથી આસાન વિજય હાંસલ કર્યો છે અને ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ 13 ડિસેમ્બરે મોહાલીમાં રમાશે.

શ્રીલંકાના કેપ્ટન થિસારા પરેરાએ ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની ટીમ 38.3 ઓવરમાં માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં શ્રીલંકાએ 20.4 ઓવરમાં 3 વિકેટના ભોગે 114 રન કરીને મેચ જીતી લીધી હતી.

ભારતના દાવમાં, વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ 65 રન કર્યા હતા અને સૌથી છેલ્લો આઉટ થયો હતો. ભારતનો ટોપ ઓર્ડર સરિયામ નિષ્ફળ ગયો હતો. શિખર ધવન અને દિનેશ કાર્તિક ઝીરો પર આઉટ થયા હતા. કેપ્ટન રોહિત શર્માએ બે રન, નવોદિત શ્રેયસ ઐયરે 9 અને મનીષ પાંડેએ બે રન કર્યા હતા.

હાર્દિક પંડ્યા 10 રન કરીને આઉટ થયા બાદ ભૂવનેશ્વર પણ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. ધોની એકલે હાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને 87 બોલના દાવમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કુલદીપ યાદવે 19 રન કરીને ધોનીને ટેકો આપ્યો હતો.

શ્રીલંકાના ફાસ્ટ બોલર સુરંગા લકમલને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે 10 ઓવરમાં 13 રન આપીને રોહિત શર્મા સહિત ચાર વિકેટ લીધી હતી. નુવન પ્રદીપે બે વિકેટ લીધી હતી, તો એન્જેલો મેથ્યૂસ, કેપ્ટન થિસારા પરેરા, અકીલા ધનંજય અને સચીથ પથીરાનાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

શ્રીલંકાએ 7 રને પહેલી અને 19 રનના સ્કોર પર બીજી વિકેટ ખોઈ હતી. ઉપુલ થારંગા 49 રનના વ્યક્તિગત સ્કોર પર પંડ્યાની બોલિંગમાં આઉટ થયો હતો. એન્જેલો મેથ્યૂસ 25 અને વિકેટકીપર નિરોશન ડિકવેલા 26 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ 49 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

ઘરઆંગણે વન-ડે ક્રિકેટમાં ભારતનો સૌથી નીચો જુમલોઃ

78 – શ્રીલંકા વિરુદ્ધ – કાનપુર – 1986

100 – વેસ્ટ ઈન્ડિઝ સામે – અમદાવાદ – 1993

112 – શ્રીલંકા સામે – ધરમશાલા – 2017