ત્રીજી કોટલા ટેસ્ટ ડ્રોમાં ગઈ; ભારતનો શ્રીલંકા પર 1-0થી સિરીઝવિજય

નવી દિલ્હી – ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી ત્રીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ આજે પાંચમા અને છેલ્લા દિવસે ડ્રોમાં પરિણમી છે.

આ સાથે ભારતે સિરીઝ 1-0થી જીતી લીધી છે. કોલકાતામાં પહેલી ટેસ્ટ ડ્રોમાં પરિણ્યા બાદ નાગપુરમાં બીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી.

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે આ સતત 9મો ટેસ્ટ શ્રેણી વિજય હાંસલ કર્યો છે.

ભારતીય ટીમે શ્રીલંકાને મેચ જીતવા માટે 410 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

શ્રીલંકાએ 3 વિકેટે 31 રનના ગઈ કાલના સ્કોરથી આજે આગળ રમવાનું શરૂ કર્યું હતું. તેના બેટ્સમેનોએ જીત માટે કોઈ કોશિશ કરી નહોતી અને સાવચેતીપૂર્વક રમીને મેચને ડ્રોમાં લઈ જવામાં સફળ રહ્યા છે.

શ્રીલંકાએ બીજા દાવમાં પાંચ વિકેટે 299 રન કર્યા હતા. મેચની અંતિમ પાંચ ઓવર ફેંકાવાની બાકી હતી ત્યારે બંને ટીમના કેપ્ટન – કોહલી અને દિપક ચાંડીમલ મેચને ડ્રો તરીકે પડતી મૂકવા સહમત થયા હતા અને એમણે નિર્ણયની જાણ અમ્પાયરને કરતાં અમ્પાયરોએ મેચને સમાપ્ત થયેલી ઘોષિત કરી હતી.

શ્રીલંકાને ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કરાવવામાં ધનંજય ડી સિલ્વા, કેપ્ટન ચાંડીમલ, રોશન સિલ્વા અને વિકેટકીપર નિરોશન ડિકવેલાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. ડી સિલ્વાએ 119 રન કર્યા હતા અને તે રિટાયર્ડ હર્ટ પેવિલિયનમાં પાછો ફર્યો હતો. એ 219 બોલ રમ્યો હતો અને દાવમાં 1 છગ્ગો અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા.

ચાંડીમલ 36 અને એન્જેલો મેથ્યૂસ 1 રન કરીને આઉટ થયો હતો. સિલ્વા 74 અને ડિકવેલા 44 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 94 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને 2-0ના વિજય પરિણામથી વંચિત રાખ્યું હતું. ભારતના બોલરો આજે 87 ઓવરમાં શ્રીલંકાની માત્ર બે જ વિકેટ પાડી શક્યા હતા.

પહેલા દાવમાં શાનદાર 243 રન કરનાર વિરાટ કોહલીને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

હવે બંને ટીમ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં રમશે. પહેલી મેચ 10 ડિસેમ્બરે ધરમસાલામાં રમાશે. બીજી વન-ડે મેચ 13મીએ મોહાલી (પંજાબમાં) અને ત્રીજી 17 ડિસેમ્બરે વિશાખાપટનમમાં રમાશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમાશે. જેમાં પહેલી મેચ 20 ડિસેમ્બરે કટક, 22મીએ ઈન્દોર અને 24મીએ મુંબઈમાં રમાશે.