નવી દિલ્હીઃ ઓલિમ્પિયન મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પોતાનો ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન’ એવોર્ડ સરકારને પરત કર્યો છે. તેણે આ જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં કરી છે. એણે તેમાં એમ પણ લખ્યું છે કે પોતે એને અગાઉ મળેલો અર્જુન પુરસ્કાર પણ પરત કરી રહી છે. વિનેશે આ જાહેરાત X (ટ્વિટર)ના માધ્યમથી કરી છે. તેણે એના બંને એવોર્ડ બ્રિજભૂષણ સિંહ વિવાદને લીધે પરત કર્યા છે.
ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણીને લીધે અનેક વિવાદ થયા છે અને નાટ્યાત્મક વળાંકો પણ આવ્યા છે. મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના નિકટના સહયોગી સંજયસિંહને મહાસંઘના નવા પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પરંતુ વિનેશ ફોગાટ તથા અન્ય ટોચના કુસ્તીબાજોએ તે વિશે નારાજગી વ્યક્ત કરી હતી.
मैं अपना मेजर ध्यानचंद खेल रत्न और अर्जुन अवार्ड वापस कर रही हूँ।
इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद 🙏 pic.twitter.com/KlhJzDPu9D
— Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023
પહેલવાન બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કર્યો હતો અને મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. એને પરિણામે સરકારે મહાસંઘની ચૂંટણી રદબાતલ ઘોષિત કરી હતી. તે પછી પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પાછો લઈ લીધો હતો. પરંતુ હવે વિનેશ ફોગાટે આક્રમક વલણ અપનાવ્યું છે અને પોતાના બંને એવોર્ડ પરત કર્યા છે.