ભારતીય ક્રિકેટપ્રેમીઓએ ઉર્વશીને ગણાવી ‘પનોતી’

દુબઈઃ અહીં રમાતી એશિયા કપ T20 સ્પર્ધામાં ગઈ કાલે સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતીય ટીમનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પાંચ-વિકેટથી પરાજય થયો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે કરેલા 181 રનના જવાબમાં પાકિસ્તાન ટીમ 19.5 બોલમાં પાંચ વિકેટના ભોગે 182 રન કરીને મેચ જીતી લીધી હતી. મેચ અત્યંત રોમાંચક રહી હતી અને બંને ટીમને જીતવાની અનેક તક મળતી રહી હતી. 

મેચ જોવા માટે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમને ખીચોખીચ ભરી દીધું હતું. દર્શકોમાં બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા પણ હતી. બ્લૂ રંગનાં ડ્રેસમાં એ અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. એ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. પરંતુ, હવે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બેઉ જણ વચ્ચે હાલ ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ પણ ચાલે છે. પંત માત્ર 14 રન કરીને આઉટ થઈ ગયો હતો. રીવર્સ સ્વીપ ફટકો મારવા જતાં એ ફિલ્ડરને આસાન કેચ દઈ બેઠો હતો. મેચ દરમિયાન તો પંત અને ઉર્વશી ખૂબ ટ્રેન્ડિંગમાં રહ્યાં હતાં. પરંતુ, ભારતીય ટીમના પરાજય બાદ ઘણા નેટયૂઝરે ઉર્વશીને ટ્રોલ કરી હતી. કેટલાકે એને પનોતી કહી હતી. ઉર્વશીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પંતનું નામ લીધા વિના એની પર અનેક આરોપ લગાવ્યા હતા. તેથી ગઈ કાલની મેચમાં ભારતના પરાજય બાદ એક નેટયૂઝરે લખ્યું હતું, ‘ભારતની હાર થયા બાદ ઉર્વશી રાઉતેલા હાલ સ્ટેડિયમમાં સૌથી ખુશ વ્યક્તિ હશે.’

સુપર-4 રાઉન્ડમાં હવે ભારત આવતીકાલે શ્રીલંકા સામે રમશે. ગઈ કાલની મેચમાં ભારતના પરાજય સાથે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના 60 રનનો દાવ ફોગટ ગયો હતો. પાકિસ્તાનના વિકેટકીપર-ઓપનર મોહમ્મદ રીઝવાનના 71 રન અને મિડલ-ઓર્ડર બેટર મોહમ્મદ નવાઝના 42 રન અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 73-રનની થયેલી ભાગીદારીએ પાકિસ્તાનની જીતમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. નવાઝને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]