પેરાલિમ્પિક ગેમ્સઃ ભાવિના પટેલને રજત ચંદ્રક મળ્યો

ટોક્યોઃ દિવ્યાંગજનો માટે અહીં રમાતા આંતરરાષ્ટ્રીય રમતોત્સવ પેરાલિમ્પિક ગેમ્સ-2021માં આજે મહિલાઓની ટેબલ ટેનિસ રમતમાં ભારતની ભાવિના પટેલનો ફાઈનલ મુકાબલામાં પરાજય થતાં એને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. ચીનની ઝાઓ યીન્ગ સામે ભાવિનાનો મહિલા સિંગલ્સ વર્ગ-4 ફાઈનલ મેચમાં 11-7, 11-5, 11-6 સ્કોરથી પરાજય થયો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસની રમતમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ છે.

ઝાઓ યીન્ગ વિશ્વમાં દિવ્યાંગ મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓમાં નંબર-વન ધરાવે છે. તેણે એનાં બેકહેન્ડ શોટ્સ દ્વારા પહેલી ગેમ જીતી હતી. બીજી ગેમમાં પણ તેણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ત્રીજી ગેમમાં ભાવિનાએ થોડીક લડત આપી હતી, પરંતુ ચાઈનીઝ ખેલાડીએ સરસાઈ પ્રાપ્ત કરીને આખરે ગેમ અને મુકાબલો જીતી લીધાં હતાં. ભાવિનાએ ગઈ કાલે સેમી ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર-3 ખેલાડી મિયો ઝાંગને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી પરાજય આપ્યો હતો.