ટોક્યોઃ કોરોનાવાઈરસ વૈશ્વિક મહામારીને કારણે એક વર્ષ વિલંબમાં પડેલો ઓલિમ્પિક રમતોત્સવ આજથી જાપાનના પાટનગર ટોક્યોમાં શરૂ થયો છે. નેશનલ સ્ટેડિયમમાં રંગારંગ ઉદઘાટન સમારોહ સાથે આ 32મી ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થઈ છે. કોરોના ગાઈડલાઈન્સને કારણે સમારોહ વખતે સ્ટેડિયમ ખાલી રખાયા હતા. દરેક દેશનાં એથ્લીટ્સે વારાફરતી ધ્વજકૂચ આદરી હતી.
ભારતીય સંઘની આગેવાની પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ પવાર તથા મહિલા બોક્સર મેરી કોમે લીધી હતી. ઉદઘાટન સમારોહમાં ભારત વતી માત્ર 18 ખેલાડીઓ જ ઉપસ્થિત રહ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એમના સત્તાવાર નિવાસસ્થાનમાંના કાર્યાલયમાં બેસીને ટીવી સ્ક્રીન પર ઉદઘાટન સમારોહ નિહાળ્યો હતો અને ભારતીય સંઘને કૂચ કરતા જોઈને ખેલાડીઓને તાળી પાડીને એમણે વધાવી લીધા હતા. ભારતીય સંઘના 25 સભ્યો ધ્વજકૂચમાં સામેલ થયાં હતાં. આમાં 18 એથ્લીટ્સ તથા અન્ય અધિકારીઓ હતાં. ભારતે ઓલિમ્પિક્સ માટે 228 જણનો સંઘ મોકલ્યો છે જેમાં 119 એથ્લીટ્સ છે.
રાતના અંધારામાં સ્ટેડિયમ પરનું આકાશ ભવ્ય આતશબાજીથી ઝળકી ઉઠ્યું હતું. ટોક્યો શહેર આ બીજી વાર ઓલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. આ પહેલાં 1964માં તે આ ખેલ-મહાકુંભનું યજમાન બન્યું હતું. ટોક્યો-2020ના પ્રતીકને પ્રદર્શિત કરવા માટે 20 સેકંડ સુધી બ્લૂ અને સફેદ રંગની આતશબાજી કરવામાં આવી હતી. આને જાપાનની સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે. નેશનલ સ્ટેડિયમમાં એ સમયે જાપાનના સમ્રાટ નારુહિતો અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બાક તથા અન્ય મહાનુભાવો હાજર હતા. સ્ટેડિયમમાં માત્ર 1000 વ્યક્તિને જ પ્રવેશ અપાયો હતો. એમાં અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડન પણ સામેલ હતાં.