ઓલિમ્પિક 2020: મીરાબાઈ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ

નવી દિલ્હીઃ ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સનો આજે બીજો દિવસ છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પહેલી સફળતા મળી છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલનું ખાતું સિલ્વર મેડલ મેળવવાની સાથે કર્યું છે. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુએ સિલ્વર મેડલ મેળવ્યો છે. ક્લીન એન્ડ જર્કના પહેલા પ્રયાસમાં મીરાબાઈ ચાનુ  110 કિગ્રા ઉઠાવવામાં સફળ રહી હતી. એ પછી  મીરાબાઇ ચાનુ 115 કિગ્રા વજન ઉઠાવવામાં પણ સફળ રહી હતી.

જોકે તે ત્રીજા પ્રયાસમાં નિષ્ફળ રહી હતી અને તેને રજત પદકથી સંતુષ્ટ થવું પડ્યું હતું.  જોકે સુવર્ણ મેડલની આશા હતી, પણ તેણે ભારતીય મહિલાની તાકાતનો અહેસાસ કરાવતાં ભારતીય રમત ઇતિહાસમાં ખુદનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવ્યું છે.

તેણે કુલ 202 કિગ્રા વજન ઉઠાવીને રજત પદક પોતાને નામે કર્યો હતો. ચીનની હોઉ ઝિઉઝેએ કુલ 210 કિગ્રા ઉઠાવીને સુવર્ણ પદક મેળવ્યો હતો. બીજી બાજુ 10 મીટરની એર પિસ્ટલ વર્ગની ફાઇનલમાં પહોંચેલા યુવા શૂટર સૌરભ ચૌધરી સુવર્ણ પદકની લડાઈમાં ચૂકી ગયો હતો અને તે આઠમાંથી સાતમા ક્રમાંકે રહ્યો હતો. સૌરભનો 137.4નો સ્કોર કર્યો હતો.