શાહીન અફરિદીની તોફાની બોલિંગ સામે ટકવું ટીમ ઈન્ડિયા માટે જરૂરી: મોહમ્મદ કૈફ

મુંબઈઃ કટ્ટર ક્રિકેટ હરીફ દેશો – ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે શ્રીલંકાના કેન્ડી શહેરના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ-2023માં ગ્રુપ-Aની મેચ રમાશે. બંને દેશના તેમજ અન્ય ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલો જોવા માટે આતુર છે. ભારતના ભૂતપૂર્વ બેટર મોહમ્મદ કૈફે ડિઝની+ હોટસ્ટાર સાથેની વાતચીતમાં મહત્ત્વની સલાહ આપી. એણે કહ્યું છે કે, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન અફરિદીની કાતિલ ફાસ્ટ અને સ્વિંગ બોલિંગ સામે ભારતના ટોપ ઓર્ડરના બેટર્સે ટકવું પડશે. ટીમ ઈન્ડિયાએ અફરિદીની શરૂઆતની ઓવરોનો હિંમત અને સાવચેતીપૂર્વક સામનો કરે એ જરૂરી રહેશે.

કૈફે વધુમાં કહ્યું છે કે, ખેલાડીઓ ગમે તેટલી નેટ પ્રેક્ટિસ કરે, પણ શાહીન અફરિદી જે બોલ ફેંકે એનો અનુભવ તો મેચના દિવસે જ થાય.

પાકિસ્તાન તેની પહેલી ગ્રુપ મેચ નેપાળ સામે તોતિંગ માર્જિન – 238 રનથી જીતી ચૂક્યું છે. તેનો કેપ્ટન બાબર આઝમ 151 રન અને મિડલ ઓર્ડર બેટર ઈફ્તિખાર એહમદ અણનમ 109 રન કરીને જોરદાર ફોર્મમાં છે. ત્યારબાદ નેપાળના દાવને 104 રનમાં સમેટી લેવામાં પાકિસ્તાનના તમામ પાંચ બોલરોએ વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. અફરિદીએ પહેલી જ ઓવરમાં બંને ઓપનરને આઉટ કર્યા હતા. ભારત માટે આ પહેલી જ ગ્રુપ મેચ હશે.

ટીમના સદસ્ય અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ કબૂલ કર્યું છે કે પાકિસ્તાન પાસે અસરદાર બોલરો છે. એમનો સામનો કરવા માટે અમારે સજાગ રહીને શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે.