શ્રીનગરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હાલમાં જ નિવૃત્તિ જાહેર કરનાર ઓલરાઉન્ડર સુરેશ રૈના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં ક્રિકેટને ઉત્તેજન આપવા અને એનો ફેલાવો કરવા ઉત્સૂક છે. તે આ પ્રદેશમાં ગરીબ બાળકોને ક્રિકેટની તાલીમ સાથે તક પૂરી પાડવા ઈચ્છે છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જન્મેલા રૈનાએ જમ્મુ-કશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહને એક પત્ર લખીને પોતાની આ ઈચ્છા દર્શાવી છે. એણે કહ્યું છે કે ક્રિકેટની રમતે મને જે કંઈ આપ્યું છે તેની હું આમ કરીને વળતી સેવા બજાવવા માગું છું. મારી 15 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં મેં ક્રિકેટ વિશે જ્ઞાન અને કૌશલ્ય હાંસલ કર્યા છે એ હવે હું નવી પેઢીને પાસ કરવા માગું છું.
33 વર્ષીય રૈનાએ કહ્યું છે કે મારો ઉદ્દેશ્ય જમ્મુ અને કશ્મીરની શાળાઓ, કોલેજો અને ગ્રામિણ વિસ્તારો સહિત અનેક સ્તરે ટેલેન્ટેડ યુવાનો અને બાળકોને શોધવાનો છે. ક્રિકેટ એ માત્ર રમત નથી, પરંતુ તેમાં એક એવી પ્રક્રિયા પણ સમાયેલી છે જે વ્યક્તિઓના જૂથનું વ્યાવસાયિક મૂલ્યો, શિસ્ત દ્વારા ઘડતર કરે. આ રમત દ્વારા માનસિક અને શારીરિક, બંને રીતે ફિટ રહી શકાય છે. જ્યારે કોઈ પણ બાળક (છોકરો કે છોકરી) કોઈ પણ રમતની તાલીમ લેવાનું શરૂ કરે છે એ સાથે જ તે આપોઆપ શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવતો થઈ જાય છે અને તે શારીરિક સુસજ્જતાના મહત્ત્વથી વાકેફ થાય છે. આ બધા આપણા દેશનું ભવિષ્ય બની શકે છે.
જમ્મુ અને કશ્મીર પોલીસે ગયા અઠવાડિયે રૈનાને આમંત્રણ આપ્યું હતું કે તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવીને ક્રિકેટની ટેલેન્ટને ડેવલપ કરે.