મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં અત્યાર સુધીની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન માર્ક બાઉચરને ટીમના વડા કોચ તરીકેની જવાબદારી સોંપી છે. બાઉચર શ્રીલંકાના મહેલા જયવર્દનેના અનુગામી બન્યા છે. બાઉચરને આઈપીએલની 2023ની મોસમ માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાઉચરે હાલમાં જ એમના નિર્ણયની જાહેરાત કરી હતી કે આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ-2022 પૂરી થયા બાદ પોતે દક્ષિણ આફ્રિકાની ટીમના હેડ કોચ પદેથી છૂટા થશે.
બાઉચરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ દક્ષિણ આફ્રિકામાં એક ટોચની ક્રિકેટ ટીમ ટાઈટન્સનું કોચ પદ સંભાળ્યું હતું અને તે ટીમે સ્થાનિક સ્તરે પાંચ ટ્રોફી જીતી હતી. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે બાઉચરને 2019માં રાષ્ટ્રીય ટીમના વડા કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. એમની મુદત દરમિયાન ટીમે 11 ટેસ્ટ, 12 વન-ડે ઈન્ટરનેશનલ અને 23 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં જીત હાંસલ કરી છે.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના વડા કોચ તરીકે બાઉચરની નિમણૂકની જાહેરાત રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ એક નિવેદનમાં કરી છે અને બાઉચરનું સ્વાગત કર્યું છે. બાઉચરે પણ એક નિવેદનમાં ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું કોચ પદ મળ્યું એને હું મારું ગૌરવ સમજુું છું. મારું નસીબ છે કે મને આ પદ મળ્યું છે.