મેલબર્નઃ ભારતીય ક્રિકેટ ટીમે અહીં બીજી ટેસ્ટ મેચ જીતીને એડીલેડમાં પહેલી ટેસ્ટમાં મળેલી હારનો ઓસ્ટ્રેલિયા પર સરસ બદલો લઈ લીધો છે. બીજી મેચમાં ઓપનર તરીકે શુભમન ગિલે ઘણાયને પ્રભાવિત કર્યા છે. આ મેચ ગિલની કારકિર્દીની પહેલી જ હતી. એણે પહેલા દાવમાં 45 રન કર્યા હતા અને બીજા દાવમાં 35 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. પહેલા દાવમાં એણે 8 બાઉન્ડરી ફટકારી હતી તો બીજા દાવમાં સાત.
21 વર્ષીય અને પંજાબના ફાઝિલ્કાના વતની ગિલના બેટિંગ પરફોર્મન્સથી ઓસ્ટ્રેલિયાનો ખમતીધર બોલર અને ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન પેટ કમિન્સ પણ પ્રભાવિત થયો છે, જેણે પહેલા દાવમાં ગિલની વિકેટ લીધી હતી. કમિન્સ અને ગિલ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વતી સાથે જ રમે છે. કમિન્સ એને શુભી કહીને બોલાવે છે. કમિન્સનું કહેવું છે કે ગિલ શાંત સ્વભાવવાળો છે. કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચ હોવા છતાં એ જરાય હતપ્રભ થયેલો જણાયો નહોતો, ઊલટાનું, એકદમ સેટલ થઈ ગયેલો દેખાયો હતો.