પિંડીમાં ઈજા થતાં ઉમેશ યાદવ ટેસ્ટસિરીઝમાંથી બહાર

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતને એક વધુ ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પગની પિંડીમાં ઈજા થતાં સિરીઝમાં વધુ રમી શકે એમ નથી. એને ટીમથી બહાર થવું પડ્યું છે અને ફરી સાજા થવા માટે બેંગલુરુસ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં હાજર થવા માટે એ ભારત પાછો ફરશે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતે હજી બે ટેસ્ટ રમવાની બાકી છે. પહેલી મેચ ઓસ્ટ્રેલિયા જીત્યા બાદ બીજીમાં ભારત જીત્યું હતું. ત્રીજી મેચ 6 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. એ મેચમાં યાદવની જગ્યાએ રમવાનો શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજનમાંથી કોઈ એકને ચાન્સ મળશે. ઉમેશને આ ઈજા મેલબર્નમાં બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત દરમિયાન એનો પગ મચકોડાઈ ગયો હતો અને ત્યારબાદ એ મેદાનમાં ફરી ઉતર્યો નહોતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં યાદવ એકેય વિકેટ લઈ શક્યો નહોતો અને બીજા દાવમાં માત્ર 3.3 ઓવર ફેંકી હતી અને પાંચ રન આપી એક વિકેટ લીધી હતી. પહેલી ટેસ્ટમાં ભારતના અન્ય ફાસ્ટ બોલર – મોહમ્મદ શમીને ઈજા થઈ હતી. એને બેટિંગ વખતે હાથના કાંડા પર બોલ વાગ્યો હતો અને ફ્રેક્ચર થયું છે.