મુંબઈઃ મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર પીઠના દુખાવાની સમસ્યાથી ખૂબ પરેશાન છે. ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણ-મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીમાં એ રમી શકશે કે કેમ એ વિશે શંકા છે. એ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં બેટિંગ કરી શક્યો નહોતો. એણે ઓસ્ટ્રેલિયાના દાવ વખતે બે દિવસ સુધી ફિલ્ડિંગ કરી હતી, પરંતુ બેટિંગ વેળા એણે તેની પીઠના નીચેના ભાગમાં સોજો થયો હોવાની ફરિયાદ કરી હતી. એ હાલ બેંગલુરુમાં બીસીસીઆઈ સંચાલિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં મેડિકલ ટીમનાં દેખરેખ હેઠળ છે. ટીમમાં ઐયરનું સ્થાન મધ્ય પ્રદેશનો રજત પાટીદાર લે એવી શક્યતા છે, જે હજી સુધી એકેય વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી.
કેપ્ટન રોહિત શર્માએ જ કહ્યું છે કે ઐયર સાજો થઈ ગયો હોય એવું લાગતું નથી.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વન-ડે મેચ 17 માર્ચે મુંબઈમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ 19 માર્ચે વિશાખાપટનમમાં અને ત્રીજી તથા આખરી મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.