ડેવિડ વોર્નર મુંબઈમાં ગલી ક્રિકેટ રમ્યો

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાનો ડાબોડી ઓપનિંગ બેટર ડેવિડ વોર્નર મુંબઈમાં એક સ્થળે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. તેનો વિડિયો એણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો અને ત્યારબાદ એ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીની પહેલી મેચ 17 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી રમાવાની છે. બંને ટીમ ચાર-મેચોની ટેસ્ટ શ્રેણી પૂરી કરીને પહેલી વન-ડે મેચ રમવા મુંબઈમાં આવી પહોંચી છે. વોર્નર એકદમ ફૂરસદ મળતાં એક ગલીમાં બાળકો-તરૂણો સાથે ટેનિસ બોલ ક્રિકેટ રમ્યો હતો.

ભારતે જેમાં 2-1થી જીત હાંસલ કરી હતી તે ટેસ્ટ શ્રેણીની પહેલી બે ટેસ્ટમાં (નાગપુર અને દિલ્હીમાં) વોર્નર રમ્યો હતો, પણ ત્રણ દાવમાં માત્ર 1, 10 અને 15 રન કરી શક્યો હતો. આખરી બે ટેસ્ટમાં એ અનફિટ હોવાથી એને ઈલેવનમાં સામેલ કરાયો નહોતો. હવે ફિટ થઈ ગયો છે અને વન-ડે મેચોમાં રમે એવી ધારણા છે. વોર્નર આઈપીએલ સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન છે. ભૂતકાળમાં એ સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમ્યો હતો.