નવી દિલ્હીઃ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેની જાણકારી તેમણે ટ્વિટર દ્વારા આપી છે, તેમણે લખ્યું છે કે ”હું ગુરૂવારથી થોડું સારું અનુભવી રહ્યો ન હતો, મારા શહીરમાં એકદમ દુખાવો થઇ રહ્યો હતો, મેં મારો ટેસ્ટ કરાવ્યો અને બદકિસ્મતીથી કોરોના પોઝિટિવ આવ્યો. જલદી સાજો થાવ તે માટે તમારી દુવાની જરૂર છે, ઇંશા અલ્લાહ.’
કોરોના વાયરસનો કહેર પાકિસ્તાનમાં પણ જોવા મળ્યો છે આ દેશમાં લગભગ 1 લાખ 32 હજારથી વધુ લોકો આ જીવલેણ મહામારીની ચપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનની સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરતાં લોકો ભૂખે મરવાની સ્થિતિ આવી ગઇ હતી. એવામાં લોકોની મદદ માટે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફરીદી આગળ આવ્યા હતા.
શાહિદ અફરીદી સતત પોતાના ફાઉન્ડેશનની મદદથી લોકોની મદદ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે કરાંચીના જાણિતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ રાહત સામગ્રી વહેંચી હતી. એવું લાગી રહ્યું હતું કે રાહત કાર્યો દરમિયાન તે સંક્રમિત થયા છે. તેમની સારવાર ચાલુ છે. ફેન્સ તેમની જલદી સાજા થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.