ટોકિયો ઓલિમ્પિક્સમાં રમવાની સાઈના, શ્રીકાંતની આશાનો અંત

નવી દિલ્હીઃ આગામી ટોકિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની દેશનાં સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ – સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતની આશા આજે સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે વિશ્વસ્તરે બેડમિન્ટન રમતનું સંચાલન કરતી સંસ્થા બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આજે એ વાતને પુષ્ટિ આપી છે કે કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે ઓલિમ્પિક્સ પૂર્વે બેડમિન્ટનની રમત માટે કોઈ વધુ ક્વોલિફાઈંગ સ્પર્ધા યોજાશે નહીં. આમ, ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર સાઈના અને પુરુષ વર્ગના સ્ટાર ખેલાડી શ્રીકાંત બંને કમનસીબ થયા છે અને ટોકિયો ઓલિમ્પિક્સમાં જનાર ભારતીય સંઘનાં તેઓ સભ્યો નહીં હોય. ક્વોલિફિકેશન પીરિયડ સત્તાવાર રીતે 15 જૂન, 2021ના રોજ પૂરો થાય છે અને તે પૂર્વે બેડમિન્ટનની કોઈ ક્વોલિફાઈંગ સ્પર્ધા રમાવાની નથી.

ભારતનાં ચાર બેડમિન્ટન ખેલાડીઓ જુલાઈ-ઓગસ્ટમાં નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા છે – પી.વી. સિંધુ, સાઈ પ્રણીત, સાત્વિકસાઈરાજ રાનકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી. સિંધુ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા છે જ્યારે પ્રણીત 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. પ્રણીત પુરુષોની સિંગલ્સ હરીફાઈ અને સિંધુ મહિલાઓની સિંગલ્સ હરીફાઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાનકીરેડ્ડી અને શેટ્ટી મેન્સ ડબલ્સમાં રમશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]