સચીન તેંડુલકરનો ‘આઈસીસી હોલ ઓફ ફેમ’માં સમાવેશ

લંડન – દંતકથા સમાન બેટ્સમેન સચીન તેંડુલકરનો સમાવેશ ‘ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હોલ ઓફ ફેમ’માં કરવામાં આવ્યો છે. એમની સાથે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહિલા ફાસ્ટ બોલર કેથરીન ફિટ્ઝપેટ્રિકને પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરીને એમનું સમ્માન કરવામાં આવ્યું છે.

તેંડુલકર 2013ના નવેંબરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા. એમણે ટેસ્ટ ક્રિકેટમાં 15,921 અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 18,426 રન કર્યા છે. આ બંને રેકોર્ડ હજી અકબંધ છે. ‘આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર તેંડુલકર છઠ્ઠા ભારતીય ક્રિકેટર છે.’ આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનાર અન્ય પાંચ ભારતીય ક્રિકેટરો છેઃ બિશનસિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસકર, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ.

ગઈ કાલે લંડનમાં આયોજિત ખાસ કાર્યક્રમમાં તેંડુલકર, ડોનાલ્ડ અને ફિટ્ઝપેટ્રિકનું બહુમાન કરવામાં આવ્યું હતું.

46 વર્ષીય તેંડુલકરે કહ્યું છે કે આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં પોતાનો સમાવેશ કરવામાં આવ્યો છે એને તેઓ પોતાનું ગૌરવ માને છે. આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ એ ક્રિકેટરોએ રમત માટે આપેલા યોગદાનની કદર છે. આ તમામ સમ્માનિત ખેલાડીઓએ રમતના વિકાસ તથા લોકપ્રિયતા વધારવા માટે તેમનું યોગદાન આપ્યું હતું. મને ખુશી છે કે મેં પણ મારું થોડુંઘણું યોગદાન આપ્યું છે.

એક સમયે વ્હાઈટ લાઈટનિંગ તરીકે પ્રખ્યાત ડોનાલ્ડ દક્ષિણ આફ્રિકાના અત્યાર સુધીના ફાસ્ટેસ્ટ બોલર છે. એમણે ટેસ્ટ ક્રિકેટમાં 330 અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 272 વિકેટ લીધી હતી. 1991માં દક્ષિણ આફ્રિકાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યા બાદ આ ટીમની સફળતાનો શ્રેય જે અમુક ખેલાડીઓને જાય છે એમાંના એક ડોનાલ્ડ છે.

આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ એવોર્ડ મેળવનાર ફિટ્ઝપેટ્રિક વિશ્વનાં આઠમા મહિલા છે. એ 16 વર્ષ સુધી મહિલાઓની ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ બોલર બની રહ્યાં હતાં. એમણે કારકિર્દીમાં 109 ટેસ્ટ મેચોમાં 180 વિકેટ મેળવી હતી. એમનાં સુકાનીપદ હેઠળ ઓસ્ટ્રેલિયાએ બે વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી. કેપ્ટન તરીકે એમણે 13 ટેસ્ટ મેચમાં 60 વિકેટ લીધી હતી.

આઈસીસી ચીફ એક્ઝિક્યૂટિવ મનુ સાહનીએ કહ્યું છે કે સચીન, એલન અને કેથરીન – આ ત્રણેય આપણી રમતને પ્રદાન કરનાર સર્વોત્તમ ખેલાડીઓ છે. હોલ ઓફ ફેમમાં સામેલ થવા માટે હકદાર છે.

httpss://twitter.com/ICC/status/1151967756885090314

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]