100થી વધુ એન્કાઉન્ટરનો રેકોર્ડ ધરાવતાં પ્રદીપ શર્મા હવે રાજકારણની ગલીઓમાં…

નવી દિલ્હી- એક સમયે અન્ડરવર્લ્ડને ફફડાવી નાંખનાર મહારાષ્ટ્રના સિંઘમ પોલિસ ઓફિસર પ્રદીપ શર્માએ મહારાષ્ટ્ર પોલીસ સેવામાંથી ગુરુવારે રાજીનામું આપી દીધું છે. તેમના નામે 100થી વધુ ગુનેગારોના એન્કાઉન્ટરનો રેકોર્ડ રહ્યો છે. પ્રદીપ શર્માને અંડરવર્લ્ડના નેટવર્કની સારી જાણકારી છે. ઠાણે ક્રાઈમ બ્રાન્ચમાં તેમની ડ્યૂટી દરમિયાન અનેક મહત્વપૂર્ણ કેસ સોલ્વ કર્યાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે, હવે તે રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાની ટિકિટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. પ્રદીપ શર્માએ 1983માં મહારાષ્ટ્ર પોલીસ સેવા જોઈન કરી હતી. તેમની બેંચમાં બે અન્ય ધુરંધર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ હતાં, જેમના નામ શહીદ વિજય સાલસ્કર અને પ્રફુલ્લ ભોંસલે છે.

પ્રદીપ શર્મા, પ્રફુલ્લ ભોંસલે અને શહીદ વિજય સાલસ્કર ત્રણેય મહારાષ્ટ્ર પોલીસના 1983 બેંચના ઓફિસર હતાં. આ ત્રિપૂટીએ ગુનેગારોને ઠાર કરવા મામલે સમગ્ર દેશ માટે આદર્શ રહ્યાં. આ જ કારણે 1983ની બેંચને મહારાષ્ટ્ર પોલીસની કિલર બેંચ કહેવામાં આવતી હતી. આ બેંચના ઓફિસરોએ દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને અરુણ  ગવલી જેવા ખતરનાક અંડરવર્લ્ડ ગેંગના 300થી વધુ મેમ્બર્સને મોતને ઘાટ ઉતારી દીધા છે.

1990માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અંડરવર્લ્ડની ગતિવિધિઓને ખત્મ કરાવવા માટે કેટલાક પોલીસઅધિકારીઓને આઝાદી આપી હતી. ત્યાર બાદ થોડા જ વર્ષોમાં 300થી વધુ ગેંગસ્ટરોના એન્કાઉન્ટર થયાં હતાં. આ એન્કાઉન્ટર્સ પર બોલિવુડમાં પણ અનેક ફિલ્મો બની ચૂકી  જેમાં અબ તક છપ્પન ઘણી ફેમસ થઈ હતી. આ ફિલ્મમાં નાના પાટેકરે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકનો રોલ નિભાવ્યો હતો.

2008માં પ્રદીપ શર્માને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેમના પર આરોપ હતો કે, લખન ભૈયા ગેંગસ્ટરનું નકલી એન્કાઉન્ટર થયું. આ કેસમાં 13 અન્ય પોલીસ અધિકારીઓની ધરપકડ અને સસ્પેન્ડ થયાં. કોર્ટમાં કેસ જીત્યા બાદ ફરીથી 2013માં તેઓ સર્વિસ પર પરત ફર્યા હતાં. 2017માં પ્રદીપ શર્મા ત્યારે ચર્ચામાં આવ્યાં જ્યારે તેમણે દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી હતી.