નવી દિલ્હીઃ દેશમાં ખેલકૂદ ક્ષેત્ર માટે રમતવીરને અપાતો સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને આપવાની એવોર્ડ પસંદગી સમિતિએ કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે.
જો આ ભલામણનો સ્વીકાર થશે તો ખેલ રત્ન એવોર્ડ મેળવનાર રોહિત શર્મા ચોથો ક્રિકેટર બનશે. આ પહેલાં સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલીને આ એવોર્ડ આપવામાં આવી ચૂક્યો છે.
શર્મા ઉપરાંત અન્ય 3 એથ્લીટને ખેલ રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે. અન્યો છેઃ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરાલિમ્પિક (વિકલાંગો માટેની ઓલિમ્પિક્સ)ના ગોલ્ડમેડલ વિજેતા મરિઅપ્પન થાંગાવેલુ.
આ ભલામણો માટે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન (કિરન રિજીજુ)ની મંજૂરી મળવી આવશ્યક છે. તેઓ એને મંજૂરી આપે તે પછી રાષ્ટ્રપતિ (રામનાથ કોવિંદ) આ એવોર્ડ્સ એનાયત કરશે.
સચીન તેંડુલકરને 1997માં, ધોનીને 2007માં અને વિરાટ કોહલીને 2018માં ‘ખેલ રત્ન એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.