કોરોનાઃ સાજો થયેલો પંત ટીમ-ઈન્ડિયામાં પાછો ફર્યો

ડરહામઃ ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત કોરોનાવાઈરસ બીમારીમાંથી સાજો થઈ ગયા બાદ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમવા માટે ભારતીય ટીમમાં પાછો જોડાઈ ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટથી ટ્રેન્ટ બ્રિજ, નોટિંઘમમાં રમાવાની છે.

રિષભ પંતનો કોરોના રિપોર્ટ ગઈ 8 જુલાઈએ પોઝિટીવ આવ્યા બાદ એ બ્રિટનની ગાઈડલાઈન્સ મુજબ 10-દિવસના હોમ આઈસોલેશનમાં હતો. એને હળવા પ્રકારનો ચેપ લાગ્યો હતો. એ ટીમના સાથી ખેલાડીઓ સાથે હોટેલમાં રહ્યો નહોતો, પરંતુ એના કોઈક સગાંનાં ઘેર રહ્યો હતો. આઈસોલેશન પીરિયડ ગયા સોમવારે એણે પૂરો કરી લીધો હતો. ત્યારબાદ એની કોવિડ-19 તથા હૃદયને લગતી તબીબી ટેસ્ટ લેવામાં આવી હતી. સાઉથમ્પ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ બાદ ભારતીય ટીમને મળેલા 20-દિવસના બ્રેક દરમિયાન પંતને કોરોના બીમારી લાગુ પડી હતી. હવે એના બંને RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પંત પાછો ટીમમાં પાછો ફર્યાની જાણકારી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ જ ટ્વિટરના માધ્યમથી કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]