નવી દિલ્હીઃ IPL 2023માં કેટલાય ક્રિકેટરોએ શાનદાર દેખાવ કરીને દરેક જણને પ્રભાવિત કર્યા છે, તો કેટલાય વરિષ્ઠ ક્રિકેટરો પીયૂષ ચાવલા, અમિત મિશ્રા, ઇશાંત શર્મા જેવા ક્રિકેટરો આ વખતે ચમક્યા છે, પણ RCB ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક માટે IPLની 16મી સીઝન બહુ ખરાબ રહી છે.
ગુજરાત ટાઇટન્સની વિરુદ્ધ RCBએ છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને એ સાથે RCBની સફર ખતમ થઈ હતી. ગુજરાતની સામે દિનેશ કાર્તિકે છેલ્લી લીગ મેચમાં પોતાને નામે એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. દિનેશ કાર્તિક IPl ઇતિહાસમાં સૌથી વધુ ડક આઉટ થનારો બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.RCBની ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે IPl 2022માં તોફાની બેટિંગ કરી હતી.
જેથી તેણે T20 વિશ્વ કપ 2022 માટે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, પણ આ વખતની સીઝનમાં તેણે ખાસ કાંઈ ઉકાળ્યું નથી. iPL 2023માં તે ફ્લોપ બેટ્સમેન રહ્યો છે. ગુજરાત ટાઇટન્સની વિરુદ્ધ તેણે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. તે આ સીઝનની પહેલી મેચમાં RR સામે શૂન્ય રને આઉટ થયો હતો. હવે તે GT સામે ડકનો શિકાર થયો છે. આ શરમજનક રેકોર્ડ સાથે તેણે IPl ઇતિહાસમાં સૌથી વધુ ડક આઉટ થવાને મામલે પહેલું સ્થાન હાંસલ કર્યું છે.