જાડેજાને સિડનીમાં અંગૂઠા પર સર્જરી કરાવવી પડી

સિડનીઃ મેલબર્ન અને સિડનીમાં રમાઈ ગયેલી ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચમાં ભારતની ટીમ માટે ખૂબ ઉપયોગી બનેલો બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે અને બ્રિસ્બેનમાં ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટમેચમાં રમી શકવાનો નથી. મેલબર્નમાં રમાઈ ગયેલી બીજી મેચમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર મેથ્યૂ વેડનો જબરદસ્ત કેચ પકડ્યો હતો અને બેટિંગમાં કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને મહત્ત્વની ભાગીદારી કરતાં ભારત આખરે એ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ સિડની ટેસ્ટમાં પણ જાડેજા ચમક્યો હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં, જાડેજાએ સ્પિન બોલિંગ કરીને ચાર વિકેટ લીધી હતી અને સ્ટીવન સ્મીથને બોલિંગ છેડે રનઆઉટ પણ કર્યો હતો.

પરંતુ, તે પછી, ભારતના પહેલા દાવમાં, બેટિંગ કરતી વખતે જાડેજાને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો એક શોર્ટ બોલ ડાબા હાથના અંગૂઠા પર વાગ્યો હતો એને કારણે એને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જાડેજા જોકે તે દાવમાં છેવટ સુધી અણનમ રહ્યો હતો. 37 બોલનો સામનો કરીને 28 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, પરંતુ અંગૂઠામાંની ઈજા ગંભીર પ્રકારની હતી અને એને સિડનીમાં જ સર્જરી કરાવવી પડી છે. આને કારણે એ બ્રિસ્બેનમાંની ટેસ્ટ મેચ ચૂકી જશે. એટલું જ નહીં, આવતા મહિને ઈંગ્લેન્ડ સામે શરૂ થનાર ચાર-ટેસ્ટની સિરીઝમાં પણ જાડેજા રમી શકશે કે કેમ તે વિશે શંકા છે. જાડેજાએ સર્જરી કરાવ્યા બાદ પ્લાસ્ટર હેઠળના તેના અંગૂઠા સાથેની તસવીર એના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હાલપૂરતો આઉટ-ઓફ-એક્શન છું, સર્જરી પૂરી થઈ ગઈ છે, પરંતુ ટૂંક સમયમાં જ પૂરા જોશ સાથે પાછો આવીશ.’ ચાર ટેસ્ટની સિરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1થી સમાન છે.