અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો 8-વિકેટથી પરાજય થયો અને પાંચ-મેચોની સિરીઝમાં ભારત 1-2થી પાછળ રહી ગયું. ભારતે 20 ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 77 રનની મદદથી 6 વિકેટે 156 રન કર્યા, એના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ઓપનર અને વિકેટકીપર જોસ બટલરના અણનમ 83 રનના જોરે બે વિકેટે 158 રન કરીને મેચ જીતી ગઈ. ભારતના આ પરાજય કરતાં ઓપનર કે.એલ. રાહુલની લગાતાર બેટિંગ નિષ્ફળતાએ ભારતના ક્રિકેટપ્રેમીઓને વધારે ઉશ્કેર્યા છે. રાહુલ ગઈ કાલની મેચમાં પણ ઝીરો પર આઉટ થયો હતો. એ બીજી મેચમાં ઝીરો પર અને પહેલી મેચમાં 1 રન કરીને આઉટ થયો હતો. આ બેટ્સમેન છેલ્લી ચાર ટ્વેન્ટી-20 મેચોમાંની 3માં ઝીરો પર આઉટ થયો છે.
રાહુલના આવા શરમજનક દેખાવ છતાં કેપ્ટન કોહલીએ એનો બચાવ કર્યો છે. ગઈ કાલની મેચ બાદ કોહલીએ કહ્યું કે, એ ચેમ્પિયન ખેલાડી છે. આ ફોર્મેટની મેચોમાં રોહિત શર્મા સાથે દાવનો આરંભ કરવા માટે રાહુલ અમારી પહેલી પસંદગી બની રહેશે. હું પોતે થોડાક દિવસો પહેલાં ખરાબ સમયમાંથી પસાર થયો હતો. (બંને ટીમ વચ્ચે ચોથી ટ્વેન્ટી-20 મેચ મોદી સ્ટેડિયમમાં જ 18 માર્ચે રમાશે)
(Image courtesy: BCCI.TV)