વેસ્ટ ઈન્ડિઝનો 143 કિલો વજનનો રહકીમ કોર્નવોલઃ દુનિયાનો સૌથી અનફિટ ક્રિકેટર

રોસો (ડોમિનિકા ટાપુ): ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અહીંના વિન્ડસર પાર્ક મેદાન પર બેમાંની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ગઈ કાલે પહેલા દિવસે ગૃહ ટીમનો પહેલો દાવ માત્ર 150 રનમાં પૂરો થઈ ગયો હતો. તેના જવાબમાં, ભારતે દિવસની રમત બંધ રહી ત્યારે તેના પહેલા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 80 રન કર્યા હતા. નવોદિત ખેલાડી યશસ્વી જયસ્વાલ 40 અને કેપ્ટન રોહિત શર્મા 30 રન સાથે દાવમાં હતો.

ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજા સામે કેરેબિયન બેટર્સ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા. અશ્વિને પાંચ અને જાડેજાએ 3 વિકેટ લીધી હતી. બે ફાસ્ટ બોલર – મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

આ મેચની નવાઈ એ છે કે વેસ્ટ ઈન્ડિઝે તેની ઈલેવનમાં ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલને સામેલ કર્યો છે. આ ખેલાડી 2021 બાદ ઈલેવનમાં ફરી સામેલ થયો છે. 143 કિલો વજનને કારણે કોર્નવોલ દુનિયાનો સૌથી ભારેભરખમ શરીરવાળો ખેલાડી બન્યો છે. એણે 2019માં ભારત વિરુદ્ધની મેચ વખતે જ વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. એ વખતે તેનું વજન 140 કિલો હતું, હવે 143 કિલો છે.

આટલો બધો જાડો હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝે તેને ટીમમાં સામેલ કર્યો છે. કોર્નવોલને દુનિયાના સૌથી અનફિટ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. એનામાં તાકાત છે, પણ એને દોડવામાં તકલીફ પડતી હોય છે. ક્રિકેટ ચપળતાની રમત છે. અહીં તંદુરસ્ત ખેલાડીઓની જ જરૂર હોય છે. રહકીમ કોર્નવોલનું વજન પ્રચંડ છે. એ ક્રીઝ પર આવ્યા બાદ સ્ટ્રાઈક રોટેટ કરવાનું અને ચીકી સિંગલ્સ લેવાનું શક્ય હોતું નથી. ફિલ્ડિંગમાં પણ રન બચાવવાનું કોર્નવોલ માટે લગભગ અશક્ય હોય છે. તે છતાં વેસ્ટ ઈન્ડિઝે એને ઈલેવનમાં સામેલ કેમ કર્યો એ સૌથી મોટો સવાલ છે.

ગઈ કાલે કોર્નવોલ 9મા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને 34 બોલનો સામનો કર્યો હતો. એ 19 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 3 બાઉન્ડરી પણ ફટકારી હતી. ત્યારબાદ ભારતના દાવ વખતે એણે ચાર ઓવર ફેંકી હતી. એ ઓફ્ફ-બ્રેક બોલર છે. ચાર ઓવરમાં એણે 17 રન આપ્યા હતા. એની બોલિંગમાં એવું ખાસ કંઈ નહોતું જે ભારતના બેટર્સને પરેશાન કરી દે. તોય ઈલેવનમાં તેની પસંદગી કેમ કરવા પાછળનું કારણ શું હશે?