બ્રિજભૂષણ શરણ સિંહને સજા થાય એવી શક્યતા

નવી દિલ્હીઃ યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય કુશ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર પીછો કરવો અને છેડછાડ જેવા ગુનાઓ માટે કેસ ચલાવવામાં આવે એવી શક્યતા છે અને સજા પણ આપવામાં આવે એવી સંભાવના છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં અત્યાર સુધીની તપાસને આધારે એ વાત કરવામાં આવી છે. 13 જૂનની ચાર્જશીટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સિંહની વિરુદ્ધ છ કેસોમાંથી એકમાં એ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમનું ઉત્પીડન વારંવાર જારી રહ્યું હતું.

દિલ્હી પોલીસે સિંહની વિરુદ્ધ કલમ 506 (ગુનાઇત ધમકી), 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી) 354 A (યૌન ઉત્પીડન) અને 354 D (પીછો કરવો) લગાડી છે. બ્રિજભૂષણ સિંહ ઉત્તર પ્રદેશથી ભાજપના સાંસદ છે. જો તેમને દોષી ઠેરવવામાં આવશે તો તેમને આ આરોપોમાં પાંચ વર્ષ સુધીની જેલની સજા થાય એવી શક્યતા છે.  આ ચાર્જશીટ 108 સાક્ષીઓથી જોડાયેલી તપાસ પર આધારિત છે. આમાં પહેલવાનો, કોચ અને રેફરી સહિત 15 લોકોએ ભાજપના સાંસદ પર લાગેલા આરોપોને ટેકો આપ્યો હતો.

સિંહને આ મામલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે શુક્રવારે હાજર થવા ફરમાન કર્યું હતું. સિંહની સામે પર્યાપ્ત પુરાવા છે. તેમને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવા નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રારંભમાં એક સગીર સહિત સાત ફરિયાદકર્તાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટની સામે પોતાનાં નિવેદનો પરત લીધાં હતાં. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પૂનિયા જેવા પહેલવાનોના નેતૃત્વમાં દિલ્હીના જંતરમંતર પર ધરણાં કર્યા બાદ આ ઘટનાઓ થઈ હતી, જેમણે સિંહની ધરપકડની માગ કરી હતી.