પાર્થઃ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર્યા પછી વનડે સિરીઝની પહેલી મેચમાં હાર મળી હતી. આ બે ઝટકામાંથી ટીમ ઇન્ડિયા બહાર આવી નથી, ત્યાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતની ટીમ ત્રીજા સ્થાને સરકી હતી. જોકે ક્રિકેટપ્રેમીઓને માત્ર એક ક્રિકેટરના દેખાવમાં રસ હતો અને તે છે વિરાટ કોહલી. ત્રણે ફોર્મેટમાંથી કેપ્ટનપદેથી દૂર થયા પછી સૌપ્રથમ વાર કોઈ બીજાની કેપ્ટનીમાં રમી રહેલા કોહલીએ શાનદાર દેખાવ કરતાં અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત કેએલ રાહુલની કેપ્ટનશિપ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
IPLમાં શાનદાર દેખાવ કરનાર વેંકટેશ ઐયરને હાર્દિક પંડ્યાનો વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે. શાર્દૂલ ઠાકુરે 10 ઓવરોમાં 72 અને ભુવનેશ્વરકુમારે 64 રન આપ્યા હોવા છતાં કેપ્ટને ઐયરને બોલિંગ કેમ નહોતો આપતો એ કોઈની સમજમાં આવતું નથી. ટીમ ઇન્ડિયાની હાર પછી કેએલ રાહુલની કેપ્ટનશિપ પર સવાલ ઊઠી રહ્યા છે કે વેંકટેશને ટીમમાં સામેલ કેમ કર્યો? જ્યારે તેની પાસે બોલિંગ નહોતી કરાવવી.
જોકે ટીકાકારોની નજર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર પણ હતી. એ ડાબોડી બેટ્સમેને 79 રન બનાવ્યા હતા. જોકે મધ્યમ ક્રમના બેટ્સમેનો વધુ રન નહીં કરી શકતાં પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ 31 રનોની હાર ખમવી પડી હતી.
દક્ષિણ આફ્રિકાના રાસી વાન ડર ડુસાંના 129 અને કેપ્ટન તેંબા બાવુમાના 110ની મદદથી ટીમે 296 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયા આઠ વિકેટે 265 રન જ બનાવી શકી હતી. વિરાટ, ધવન પછી શાર્દૂલ ઠાકુરે અણનમ 50 રન બનાવ્યા હતા. બાકી કોઈ બેટ્સમેન 20 રનથી વધારે નહોતો બનાવી શક્યો.