પહેલી વન-ડેમાં પણ કેપ્ટન તરીકે રાહુલ નિષ્ફળ

પાર્લઃ અહીંના બોલેન્ડ પાર્ક ખાતે ગઈ કાલે રમાઈ ગયેલી શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 31-રનથી પરાજય આપ્યો અને 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતી પહેલા બેટિંગ લીધા બાદ તેની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટે 296 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 265 રન કરી શકી હતી. બાવુમાએ 110 અને રાસી વાન ડેર ડસને અણનમ 129 રન કર્યા હતા. ડેર ડસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતના દાવમાં ત્રણ હાફ સેન્ચુરી નોંધાઈ હતી – શિખર ધવન 79, વિરાટ કોહલી 51 અને શાર્દુલ ઠાકુર અણનમ 50.

કેપ્ટન તરીકે કે.એલ. રાહુલની કામગીરી નિરાશાજનક રહી છે. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં પહેલી જ વાર સુકાન સંભાળ્યા બાદ રાહુલની આગેવાની હેઠળની ટીમે જોહનિસબર્ગ મેચમાં પરાજય મેળવ્યો હતો. હવે વિરાટ કોહલીની જગ્યાએ રાહુલને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને આ પહેલી જ મેચમાં તે ભારતને જીત અપાવી શક્યો નહીં. મિડલ ઓર્ડરના બેટર્સ રન બનાવવામાં નિષ્ફળ ગયા. રાહુલે ટીમની પસંદગીમાં ભૂલ કરી હોવાનું કહેવાય છે. તેણે ઓપનર તરીકે ઋતુરાજ ગાયકવાડને પસંદ કરવો જોઈતો હતો અને પોતે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની જરૂર હતી. ઓપનર તરીકે રાહુલ 12 રન કરીને આઉટ થયો હતો. ઈલેવનમાં સામેલ કરીને વેંકટેશ ઐયરને તેની કારકિર્દીનો આરંભ કરવાની તક અપાઈ હતી. 6ઠ્ઠા તે માત્ર બે જ રન કરી શક્યો હતો. વિકેટકીપર રીષભ પંતે 16 અને શ્રેયસ ઐયરે 17 રન કર્યા હતા. બોલિંગ વખતે પણ રાહુલ યોગ્ય સમયે યોગ્ય બોલરનો ઉપયોગ કરી શક્યો નહોતો. કેપ્ટન બાવુમા અને ડેર ડસને ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવવામાં સફળ થયા હતા. આ જોડીને તોડવામાં રાહુલ નિષ્ફળ ગયો હતો.

બંને ટીમ વચ્ચે બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ 21 જાન્યુઆરીએ જ મેદાન પર રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]