ગંભીર નહીં પણ રોહિત શર્માને કારણે રમાયું રાજકારણ?

નવી દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનું એલાન થઈ ગયું છે. કેટલાક ક્રિકેટરોનાં નસીબ ચમક્યાં છે, જ્યારે કેટલાક સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની આ પહેલી સિલેક્શન મીટિંગ હતી અને એ પછી બબાલ થઈ છે  અને આંગળીઓ તો વનડે કેપ્ટન રોહિત શર્મા પર પણ ઊઠી રહી છે.

ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ, એમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે હાર્દિક પંડ્યાને T20 કેપ્ટનશિપ ના મળી. એ સાથે તેને વાઇસ કેપ્ટનમાંથી પણ હટાવવામાં આવ્યો અને તેની જગ્યાએ શુભમન ગિલને વનડે-T20નો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એ સાથે ઋતુરાજ ગાયકવાડ વનડે –T20 ટીમમાંથી બહાર થઈ ગયો છે.

સંજુ સેમસને પણ સદી ફટકારી હોવા છતાં વનડે ટીમમાં જગ્યા નથી મળી. આ નિર્ણયો પછી લોકોએ નવા હેડ કોચ ગૌતમ ગંભીર પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ અહેવાલ મુજબ આ નિર્ણયો પાછળ ક્યાંક ને ક્યાંક રોહિત શર્માનો પણ હાથ છે.

ગૌતમ ગંભીર હેડ કોચ તો બન્યો, પરંતુ તે આવતા જ આટલા મોટા નિર્ણય એકલો ના નહીં લઈ શકે. ટીમની દશા અને દિશા નક્કી કરવામાં મુખ્ય પસંદગીગાર અજિત આગરકર અને વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માનો પણ હાથ છે. આમ પણ શર્મા ઘણા લાંબા સમયથી ટીમની સાથે છે. તેની સલાહ આ સિલેક્શનમાં મહત્ત્વની રહી હશે.

વળી, હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન પદેથી પણ દૂર કરવામાં આવતાં રોહિત શર્માની વિરુદ્ધ ભારતીય ફેન્સે મોરચો ખોલી દીધો છે. લોકોનું માનવું છે કે આ બધું રોહિત શર્માનું કર્યુકારવ્યું છે. ફેન્સનું તો એમ પણ કહેવું છે કે પંડ્યા અને કેએલ રાહુલ સાથે રાજકારણ ખેલાયું છે. ગાયકવાડ પણ ઝિમ્બાબ્વેમાં સારો દેખાવ છતાં T20 ટીમમાંથી બહાર થયો છે.