T20 વર્લ્ડ ચેમ્પિયન્સ ટીમ ઇન્ડિયા સાથે PM મોદીએ કરી ગુફ્તેગૂ

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીત્યા પછી ટીમ ઇન્ડિયા પરત ફરી ચૂકી છે. દિલ્હી એરપોર્ટ પર રોહિત શર્માની આગેવાનીવાળી વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિલ્હીમાં ભારતીય ટીમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદીથી ઇન્ડિયા ટીમની મુલાકાતનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં બધા ક્રિકેટરોએ તેમની સાથે ગુફ્તેગૂ કરી હતી. વડા પ્રધાને વિશ્વવિજેતા ટીમને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ક્રિકેટરોની પ્રશંસા કરી હતી.

PM મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ જવા રવાના થશે. આ કાર્યક્રમનું આયોજન અહીં વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ક્રિકેટપ્રેમી માટે સારા સમાચાર એ છે કે વાનખેડે સ્ટેડિયમમાં સૌ માટે એન્ટ્રી ફ્રી હશે, પરંતુ એ વહેલો તે પહેલાંને ધોરણે હશે. એક વાર બધી સીટો ભરાઈ જાય પછી દરવાજા બંધ થઈ જશે. ટીમ ઇન્ડિયા માટે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે સાતથી 7:30 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ખેલાડીઓ પોતાના અનુભવો પણ વર્ણવશે. જોકે એ પહેલાં મુંબઈમાં સાંજે પાંચ કલાકે નરીમન પોઇન્ટ સ્થિત NCPAથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં ક્રિકેટરોની વિકટરી પરેડ આયોજિત કરવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો કપ જીત્યો હતો. આ રીતે 17 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેથી, 2007માં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઈમાં જે પરેડ યોજાઈ હતી, તે આ વખતે પણ એવી જ હશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ T20 વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આ અમારા માટે ખુશીની વાત છે. ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતવો એક મોટી ઉપલબ્ધિ છે.