પંકજ અડવાણી 25મી વાર વિશ્વવિજેતા બન્યો

કુઆલા લમ્પુરઃ દેશના ટોચના ખેલાડી પંકજ અડવાણીએ વિશ્વ ચેમ્પિયનશિપમાં બિલિયર્ડ્સની ફાઇનલમાં સૌરવ કોઠારીને 4-0થી હરાવીને કેરિયરનું 25મું વિશ્વ ટાઇટલ જીતી લીધું છે. અડવાણીએ શાનદાર દેખાવ કર્યો હતો અને મોટી સંખ્યામાં હાજર રહેલા દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.

 અડવાણીએ પહેલી ફ્રેમથી પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા કે તેઓ કોઠારીને કોઈ તક નહીં આપે. અડવાણીએ 150થી વધુ 149 બ્રેક પોતાને નામે કર્યા હતા. કોઠારીનું પોતાનું ખાતું પણ નહોતું ખોલ્યું. કોઠારીને પોતાના પહેલા IBSF (આંતરરાષ્ટ્રીય બિલિયર્ડસ એન્ડ સ્નૂકર ફેડરેશન) વિશ્વ ટાઇટલની રાહ જોવી પડશે.આ ‘બેસ્ટ ઓફ સેવન’ની ફાઇનલમાં અડવાણીએ શરૂથી જ ઉમદા રમીને એક કેલેન્ડર વર્ષમાં બિલિયર્ડ્સનું રાષ્ટ્રીય, એશિયન અને વિશ્વનું ટાઇટલ જીતીને પાંચમી વાર રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

કોઠારીને અન્ય ફ્રેમમાં કેટલીક તક મળી હતી, પણ તે એનો લાભ નહોતો ઉઠાવી શક્યો. બીજી તરફ અડવાણીએ 77ના બ્રેકની મદદથી 2-0ની લીડ હાંસલ કરી હતી. ત્યાર બાદ અડવાણીએ ગેમમાં વધુ સાતત્ય દાખવીને ઉત્તમ દેખાવ કર્યો હતો અને તેણે પોતાની આવડતથી મલેશિયન દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

અડવાણીએ ત્રીજી ફ્રેમમાં 153મી ટુર્નામેન્ટમાં સર્વોચ્ચ બ્રેક બનાવ્યા હતા. અડવાણીએ ચોથી ફ્રેમમાં પણ દેખાડ્યું હતું કે તેને કેમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. તેણે 80 અને 60ના બે બ્રેક બનાવીને ટાઇટલ પોતાને નામે કર્યું હતું. અડવાણીએ કહ્યું હતું કે સતત પાંચમી વાર ટાઇટલનો બચાવ કરવું એ સપનું સાચું પડવા જેવું છે.