નડાલ પિતા બન્યો; પત્ની-મારિયાએ પુત્રને જન્મ આપ્યો

મેડ્રિડઃ ટેનિસની રમતમાં ક્લે કોર્ટનો બાદશાહ ગણાતો દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલ પહેલી જ વાર પિતા બન્યો છે. 22 ગ્રેન્ડસ્લેમ ટાઈટલ્સ જીતી ચૂકેલા નડાલની પત્ની મારિયાએ પુત્રને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે.

નડાલ અને મારિયાએ ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. નડાલ પિતા બન્યાની માહિતી સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. નડાલે પોતે હજી સુધી કોઈ પોસ્ટ શેર કરી નથી. રિયલ મેડ્રિડે નડાલને ટેગ કરીને ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું છે, ‘અમારા પ્રિય સદસ્ય રાફેલ નડાલ અને મારિયા પેરેલોને એમનાં પ્રથમ સંતાનરૂપે પુત્રજન્મ બદલ અભિનંદન. આનંદની આ ક્ષણોમાં અમે તમારી સાથે જ છીએ. હાર્દિક શુભેચ્છા.’