ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના સ્પોર્ટ્સ પ્રધાન એહસાન મઝારીએ ભારતને કડક ચેતવણી આપી છે કે આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં નિર્ધારિત એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ન રમવાનો જો ભારત નિર્ણય લેશે તો પાકિસ્તાન તેના બદલારૂપે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ-2023માંથી ખસી જશે.
એશિયા કપ આ વર્ષે પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજવાનું નિર્ધારિત છે, પરંતુ ભારતની માગણી છે કે સ્પર્ધા કોઈ તટસ્થ સ્થળે યોજવામાં આવે, કારણ કે તે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે. ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલાઓ અને ભારત-વિરોધી પ્રવૃત્તિઓને કારણે ભારતે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પર પ્રતિબંધ મૂક્યો છે.
એહસાન મઝારી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સંચાલનની જવાબદારી પણ સંભાળે છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે, જો ભારત એશિયા કપ સ્પર્ધા તટસ્થ ધરતી પર યોજવાનો આગ્રહ રાખશે તો પાકિસ્તાન પણ વર્લ્ડ કપ-2023માં ભારતમાંની તેની મેચો માટે એવી માગણી કરશે.
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત આયોજિત વર્લ્ડ કપ-2023ના કાર્યક્રમ અનુસાર, પાકિસ્તાન ટીમે ભારતમાં પાંચ શહેરોમાં 9 મેચ રમવાની રહેશે. આમાંની એક હશે, 15 ઓક્ટોબરે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામેની મેચ.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2016 પછી ભારતમાં ફરી રમવા આવી નથી. 2016માં તે મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા આવી હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધા આ વર્ષની પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.