શ્રીલંકાએ વર્લ્ડ કપ ક્વોલિફાયર ટાઇટલ જીત્યું, ફાઇનલમાં નેધરલેન્ડને હરાવ્યું

શ્રીલંકાએ ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટની ફાઈનલ જીતી લીધી છે. તેણે ઝિમ્બાબ્વેના હરારેમાં રવિવારે (9 જુલાઈ) ટાઇટલ મેચ જીતી હતી. ફાઇનલમાં શ્રીલંકાએ નેધરલેન્ડને 128 રનથી હરાવ્યું હતું. આ મેચથી વર્લ્ડ કપના સ્થાન પર કોઈ અસર થઈ નથી. શ્રીલંકા અને નેધરલેન્ડે સુપર સિક્સમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને રહીને આગામી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન પહેલેથી જ સુરક્ષિત કરી લીધું હતું.

આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. અમેરિકા, નેપાળ, આયર્લેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતની ટીમો ગ્રુપ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. આ પછી સુપરસિક્સમાં ચાર ટીમોને બહારનો રસ્તો જોવો પડ્યો. બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ અને ઓમાનની ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહી હતી. 1975 અને 1979માં ટૂર્નામેન્ટ જીતનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલીવાર ODI વર્લ્ડ કપમાં જોવા મળશે નહીં.

નેધરલેન્ડે શ્રીલંકાને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું

મેચમાં ટોસ જીત્યા બાદ નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે તેમની ટીમે શ્રીલંકાને 47.5 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. લંકન ટીમ તરફથી સહન આર્ચીગેએ 57 રન બનાવ્યા હતા. ચરિત અસલંકાએ 36, કુશલ મેન્ડિન્સે 43, વનિન્દુ હસરંગાએ 29 અને પથુમ નિસાન્કાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. સદીરા સમરવિક્રમાએ 19 અને મહિષ તિક્ષાનાએ 13 રન બનાવ્યા હતા. ધનંજય ડી’સિલ્વા અને મથિશા પાથિરાના માત્ર ચાર-ચાર રન બનાવી શક્યા હતા. તે જ સમયે, કેપ્ટન દાસુન શનાકાનું બેટ પણ કામ કરતું ન હતું. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. નેધરલેન્ડ તરફથી વેન બીક, રેયાન ક્લેઈન, વિક્રમજીત સિંહ અને સાકિબ ઝુલ્ફીકારે બે-બે વિકેટ લીધી હતી. આર્યન દત્તને સફળતા મળી.

 

શ્રીલંકાના સ્પિનરોએ તબાહી મચાવી હતી

234 રનના ટાર્ગેટને જોતા એવું લાગી રહ્યું હતું કે નેધરલેન્ડની ટીમ આસાનીથી મેચ જીતી જશે, પરંતુ લંકાના બોલરોએ તબાહી મચાવી દીધી હતી. શ્રીલંકાના સ્પિનરો માટે નેધરલેન્ડના બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. આખી ટીમ 105 રનમાં સમેટાઈ ગઈ હતી. નેધરલેન્ડ તરફથી મેક્સ ઓડાડે 33, લોગાન વેન બીકે 20 અને વિક્રમજીત સિંહે 13 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય દસના આંકડાને કોઈ સ્પર્શી શક્યું નથી. મહિષ તિક્ષાનાએ ચાર, દિલશાન મદુશંકાએ ત્રણ અને વનિન્દુ હસરંગાએ બે વિકેટ લીધી હતી.