નવી દિલ્હીઃ લાંબા સમયના વિલંબ બાદ અને પાકિસ્તાનમાંથી રવાના થવાના માત્ર 48 કલાક પૂર્વે પાકિસ્તાન ક્રિકેટ ટીમને આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપમાં રમવા ભારત આવવા દેવા માટે ભારત સરકારે વિઝા આપ્યા છે. પાકિસ્તાન ટીમ દુબઈ માર્ગે હૈદરાબાદ આવશે.
ભારત સરકારે પાકિસ્તાન ટીમને વિઝા આપ્યાને આઈસીસી સંસ્થાએ સમર્થન આપ્યું છે. એ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને પત્ર લખ્યો હતો અને તેની ટીમને ભારત સરકાર દ્વારા વિઝા આપવામાં વિલંબ થયેલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાન ટીમ ભારતમાં આવી પહોંચ્યા બાદ 29 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં ન્યૂ ઝીલેન્ડ સામે પહેલી વોર્મ-અપ મેચ રમશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની પહેલી મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમના નેતૃત્ત્વ હેઠળ 15-સભ્યોની ટીમની જાહેરાત કરી છે.
ફાસ્ટ બોલર નસીમ શાહને ઈજાને કારણે વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરાયો નથી. એની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર હસન અલીનો સમાવેશ કરાયો છે. ટીમના અન્ય ફાસ્ટ બોલરો છે – શાહીન શાહ અફરિદી, હારિસ રઉફ અને મોહમ્મદ વસીમ જુનિયર.
પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઉદ શકીલ, ઈફ્તિખાર એહમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હારિસ રઉફ, હસન અલી, શાહીન અફરિદી અને મોહમ્મદ વાસીમ (જુનિયર).