એશિયન ગેમ્સ-2023: ઘોડેસવારીમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં આજે ઘોડેસવારીની રમતમાં ભારતને ટીમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ડ્રેસેજ ટીમ ફાઈનલ હરીફાઈમાં ભારતને પ્રથમ સ્થાન અપાવીને સુવર્ણ ચંદ્રક જિતાડનાર ઘોડેસવારો છેઃ સુદીપ્તી હાજેલા, દિવ્યાકૃતિ સિંહ, અનુષ અગ્રવાલા અને હૃદય વિપુલ છેડા. આ ચારેય રમતવીરોએ ઈતિહાસ સર્જ્યો છે. ભારતને આ રમતમાં 41 વર્ષ પછી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે.

ભારતના રમતવીરોએ કુલ 209.205 પોઈન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજા ક્રમે ચીન (204.882 પોઈન્ટ) અને ત્રીજા ક્રમે હોંગકોંગ (204.852 પોઈન્ટ) છે.

આ વર્ષની એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં આ ચોથો સુવર્ણ ચંદ્રક મળ્યો છે.

ઘોડેસવારીની રમતને 1900ની સાલમાં ઓલિમ્પિક રમત તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સમાં આ રમતને 1982માં દિલ્હી ગેમ્સ વખતે સામેલ કરવામાં આવી હતી. છેલ્લા અમુક વર્ષોથી આ રમત પર જાપાનનું વર્ચસ્વ રહ્યું છે. એણે અત્યાર સુધીમાં 18 સુવર્ણ સહિત 43 ચંદ્રક જીત્યા છે. દક્ષિણ કોરિયાએ 15 સુવર્ણ ચંદ્રક જીત્યા છે. ભારત ભૂતકાળમાં આ રમતમાં ત્રણ સુવર્ણ ચંદ્રક, ત્રણ રજત અને છ કાંસ્ય ચંદ્રક જીત્યું હતું. ત્રણેય સુવર્ણ ચંદ્રક 1982ની ગેમ્સમાં મળ્યા હતા. એ વખતે રઘુબીર સિંહ વ્યક્તિગત હરીફાઈમાં ચેમ્પિયન બન્યા હતા. એ પછી તેમણે ગુલામ મોહમ્મદ ખાન, વિશાલ સિંહ અને મિલ્ખા સિંહ સાથે ટીમ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ જ ગેમ્સમાં રુપિન્દર સિંહ બરાડે વ્યક્તિગત ટેન્ટ પેગિંગ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતના ફવાદ મિર્ઝાએ વ્યક્તિગત હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે ટીમ હરીફાઈમાં રાકેશ કુમાર, આશિષ મલિક, જિતેન્દર સિંહ અને ફવાદ મિર્ઝાની ટીમે રજત ચંદ્રક જીત્યો હતો.

નૌકાયન રમતમાં નેહા ઠાકૂરે જિત્યો સિલ્વર, ઈબાદ અલીને કાંસ્ય

નૌકાયન (સેલિંગ) રમતમાં ભારતને મેડલ મળવાનું ચાલુ રહ્યું છે. આજે 17 વર્ષની નાવિક નેહા ઠાકૂરે ડિંગી – ILCA4 હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે. આ જ રમતમાં, પુરુષોની વિન્ડસર્ફર હરીફાઈમાં ભારતને ઈબાદ અલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે.