પાકિસ્તાન ભારતને સેમી ફાઇનલથી દૂર રાખી શકે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા છઠ્ઠી નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે કોઈ પણ સ્થિતિમાં મેચ જીતવી જરૂરી છે. જો એ મેચ હારી જશે તો પાકિસ્તાન ફરી એક વાર ટીમ ઇન્ડિયાથી આગળ હશે અને એને બહુ મોટો આંચકો લાગે એવી શક્યતા છે. T20 વર્લ્ડ કપના ગ્રુપની જેમ ગ્રુપ-2નું સમીકરણ પણ પેચીદું છે અને કઈ ટીમ સેમી ફાઇનલમાં જશે એ બધીની ગ્રુપ મેચો પછી સ્પષ્ટ થશે, પણ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો  પાકિસ્તાન છે.

પાકિસ્તાન બે મેચ હાર્યા પછી ફરી T20 વર્લ્ડ કપમાં પાછું ફર્યું છે અને જે રીતે એણે સાઉથ આફ્રિકાને હરાવ્યું છે, એ જોતાં પાકિસ્તાનના ઇરાદા વધુ બુલંદ છે. પાકિસ્તાન પોઇન્ટ્સ ટેબલમાં ચાર પોઇન્ટ સાથે ત્રીજા અને સાઉથ આફ્રિકા પાંચ અંક સાથે બીજા સ્થાને છે અને ભારત છ અંક સાથે પહેલા સ્થાને છે, પણ પાકિસ્તાન બે અંક ઓછા હોવા છતાં ટીમ ઇન્ડિયાને બહાર રસ્તો બતાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે, કેમ કે પાકિસ્તાનનો નેટ રનરેટ ટીમ ઇન્ડિયાથી વધુ છે.

હવે જો ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેથી હારી ગઈ અને પાકિસ્તાન બંગલાદેશ સામે જીતી જાય તો ટીમ ઇન્ડિયા સેમી ફાઇનલમાંથી બહાર ફેંકાય એવી શક્યતા છે, કેમ કે પાકિસ્તાનના પણ ટીમ ઇન્ડિયા જેટલા જ છ અંક થઈ જાય અને નેટ રનરેટ પણ વધુ થશે. જોકે બંગલાદેશ પાકિસ્તાનને હરાવી દેશે તો પાકિસ્તાનનો પ્રવાસ પૂરો થઈ જશે.