IPL-2023: પંજાબ કિંગ્સે અગ્રવાલને સ્થાને ધવનને ટીમનું સુકાન સોંપ્યું

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને IPL 2023થી મયંક અગ્રવાલને બદલે પંજાબ કિંગ્સના કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીની બોર્ડ મીટિંગમાં એને મંજૂરી આપવામાં આવી છે. પંજાબ કિંગ્સે ટ્વીટ કરને જણાવ્યું હતું કે ગબ્બર પંજાબ કિંગ્સના શિખરે હશે.

મયંક અગ્રવાલ પંજાબ કિંગ્સ સાથે 2018થી જોડાયેલો છે અને ગયા વર્ષે ફ્રેન્ચાઇઝીએ તેને KL રાહુલ લખનઉ સુપરજાયન્ટ જોડાતાં કેપ્ટન બનાવ્યો હતો, પણ તેણે કેપ્ટન તરીકે તેનું પર્ફોર્મન્સ નબળું રહ્યું હતું. તેણે ગયા વર્ષે 13 મેચમાં માત્ર 16.33ની સરેરાશે 196 રન બનાવ્યા હતા. ધવન અનુભવી ક્રિક્રેટર છે અને તેણે IPL લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધી 205 ઇનિંગ્સમાં 6244 રન બનાવ્યા છે. તે વિરાટ પછી બીજો ઊંચો સ્કોર કરનાર ખેલાડી છે.

ગયા વર્ષે ધવને IPLની 14 મેચોમાં 38.33ની સરેરાશે 460 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમાંકે હતું.આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઇન્ડિયા વતી 36 વર્ષીય ધવને 34 ટેસ્ટ રમી છે અને 161 વનડે રમી છે અને 68 T20 આંતરરાષ્ટ્રીય રમી છે. જોકે ફ્રેન્ચાઇઝીએ અગ્રવાલ અને અર્શદીપ સિંહને જાળવી રાખ્યા છે.