પેરિસઃ જાહેર નાણાંની ઉચાપત અને પક્ષપાતના આક્ષેપોને પગલે હાથ ધરવામાં આવેલી તપાસના ભાગરૂપે પેરિસ શહેરની પોલીસે ‘પેરિસ-2024’ ઓલિમ્પિક્સ આયોજન સમિતિના અત્રેના મુખ્યાલય તથા તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારોની ઓફિસો ખાતે દરોડા પાડ્યા છે. પોલીસ વિભાગે કહ્યું કે આ તપાસ છેક 2017ની સાલથી ચાલી રહી છે, જે ઓલિમ્પિક આયોજન સમિતિએ કરેલા કેટલાક કોન્ટ્રાક્ટ્સને લગતી છે.
ફ્રાન્સની ભ્રષ્ટાચાર-વિરોધી એજન્સીએ આપેલા ઓડિટ અહેવાલ બાદ પેરિસ-2024 ગેમ્સના આયોજનમાં ભ્રષ્ટાચાર થયાના વ્યાપક આરોપ મૂકવામાં આવ્યા છે. પેરિસ-2024 આયોજન સમિતિનું કહેવું છે કે તે તપાસનીશ પોલીસ અધિકારીઓને પૂરો સહકાર આપી રહી છે.
આવતા વર્ષનો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે. ત્યારબાદ 28 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી આ જ શહેરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની પેરાલિમ્પિક ગેમ્સ યોજાશે. પેરિસ-2024નું કુલ બજેટ 88 અબજ યૂરો (9.62 અબજ યૂએસ ડોલર) છે.