પુણેઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારત હવે બેકફૂટ પર છે. જોકે તેમ છતાં પહેલી ટેસ્ટમાં જેમ ટીમ ઇન્ડિયાએ વળતી લડત આપી હતી, એટલે હાલ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. હજી ટેસ્ટનો બીજો દિવસ છે, ત્યારે ન્યુ ઝીલેન્ડની પણ બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ પડી ગઈ છે અને પ્રવાસી ટીમને હાલ 301 રનની લીડ મળી છે.
ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે તેના પુનરાગમન સાથે જ તરખાટ મચાવ્યો છે. ગુરુવારથી શરૂ થયેલી પ્રવાસી ન્યુ ઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં તેણે શાનદાર બોલિંગ કરી છે. તેણે પહેલી ઇનિંગ્સમાં સાત વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી છે.
બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલેન્ડના 259 રનના જવાબમાં ભારતનો પ્રથમ દાવ 156 રનમાં સમેટાઈ ગયો હતો. આ રીતે ન્યુ ઝીલેન્ડને પ્રથમ દાવને આધારે 103 રનની લીડ મળી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પાસે મિચેલ સેન્ટનરના બોલનો કોઈ જવાબ નહોતો. મિચેલ સેન્ટનરે સાત ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સને બે સફળતા મળી. આ સિવાય ટિમ સાઉથીએ એક વિકેટ પોતાના નામે કરી હતી.
બીજી ઇનિંગ્સમાં પણ વોશિંગ્ટન સુંદરે રંગ રાખ્યો હતો. ટોમ લાથમ 86 સિવાય ન્યુ ઝીલેન્ડના કોઈ બેટર ક્રીઝ પર વધુ ટકી શક્યા નહોતા. સુંદરે ચાર વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિનને એક સફળતા મળી હતી. દિવસને અંતે ન્યુ ઝીલેન્ડની ટીમ 198 રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી હતી.