ટેસ્ટક્રિકેટમાં બોલરોની ધુલાઈ કરવામાં પંતનો જોટો ન જડેઃ ઈયાન ચેપલ

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું માનવું  છે કે ભારતની ટેસ્ટ ટીમ આવતા મહિને ઘરઆંગણે પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમનો મુકાબલો કરવાની છે ત્યારે એને રિષભ પંતની ગેરહાજરીનો અનુભવ થશે. કારણ કે, ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં બોલરો પર વર્ચસ્વ જમાવવાની જે ક્ષમતા ડાબોડી વિકેટકીપર-બેટર પંતમાં છે એવી બીજા કોઈમાં નથી.

ઉલ્લેખનીય છે કે પંતનો ગઈ 30 ડિસેમ્બરે ઉત્તરાખંડમાં ભયંકર કાર અકસ્માત થયો હતો. એમાં તે ગંભીર રીતે જખ્મી થયો હતો. એને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ હાલ મુંબઈમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સર્જરી અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આને કારણે એ લગભગ એક વર્ષ જેટલો સમય ક્રિકેટ રમી નહીં શકે.

બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની પહેલી ટેસ્ટ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે, બીજી 17 ફેબ્રુઆરીથી નવી દિલ્હીમાં, ત્રીજી 1 માર્ચથી ધરમશાલામાં અને ચોથી 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાશે – 17, 19 અને 22 માર્ચે અનુક્રમે મુંબઈ, વિશાખાપટનમ અને ચેન્નાઈમાં.