ભારતીય મહિલા અંડર-19 ટીમે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો

ભારતીય મહિલા અંડર-19 ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ફાઈનલમાં ઘાતક બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને માત્ર 68 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ પછી 14મી ઓવરમાં 3 વિકેટના નુકસાન પર આ નાનો સ્કોર હાંસલ કરીને વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો. ટોસ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમને ભારત સામે બેટિંગ કરવાની ફરજ પડી હતી. શેફાલી વર્માની સચોટ વ્યૂહરચના સામે બોલરોએ શાનદાર બોલિંગ કરીને ઈંગ્લિશ ટીમને માત્ર 68 રનમાં ઢગલો કરી દીધો હતો.

ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો 

ICC દ્વારા આયોજિત પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે એકતરફી જીત નોંધાવી હતી. શેફાલી વર્માની ભારતીય ટીમે ધમાકેદાર રમત બતાવીને ટ્રોફી જીતવાની સાથે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીતવાની સિદ્ધિ હવે આ ટીમના નામે છે.

શેફાલીએ ધોનીની બરાબરી કરી

વર્ષ 2007માં, ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ જીતી હતી. ટીમની કપ્તાની મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં હતી અને યુવા ટીમ સાથે તેણે દક્ષિણ આફ્રિકામાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. શેફાલી વર્માએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીતીને પૂર્વ કેપ્ટનની બરાબરી કરી હતી. ભારતે અહીં ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવી હતી.