એશિયન ગેમ્સઃ ભાલાફેંકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો; 3 રનર્સે સિલ્વર અપાવ્યાં

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 9મા દિવસે, 20 વર્ષના નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. હરિયાણાના પાનીપતના રહેવાસી અને ઈન્ડિયન આર્મીના જવાન જેવેલીન થ્રો (ભાલાફેંક) હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે આ ગેમ્સમાં આ હરીફાઈમાં પહેલી જ વાર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

નીરજનો ત્રીજો અટેમ્પ્ટ બેસ્ટ અટેમ્પ્ટ રહ્યો હતો – 88.06 મીટર. આજના દેખાવ દ્વારા એણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. એણે કોમનવેલ્થ ગેમ્સમાં 86.47 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજ ચોપરાએ કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. એ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ, સાઉથ એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ અને સોટવિલે એથ્લેટિક્સ મીટ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

નીરજ ચોપરાના મેડલ સાથે ભારતે વર્તમાન ગેમ્સમાં જીતેલા મેડલ્સનો આંક 41 થયો છે.

નીના વારાકીલે લોન્ગ જમ્પમાં રજત જીત્યો

નીના વારાકીલે મહિલાઓની લાંબા કૂદકાની હરીફાઈમાં સિલ્વર મેડલ જીત્યો છે. નીનાએ 6.51 મીટર લાંબો કૂદકો લગાવ્યો હતો.

2006માં અંજુ બોબી જ્યોર્જે ભારત માટે આ હરીફાઈમાં મેડલ જીત્યો હતો. ત્યારબાદ નીના પહેલી એથ્લીટ બની છે. આ હરીફાઈનો ગોલ્ડ મેડલ વિયેટનામની બુઈ થી થૂ થાઓએ 6.55 મીટર લાંબો કૂદકો લગાવીને જીત્યો છે જ્યારે કાંસ્ય ચંદ્રક ચીનની સૂ શાઓલિંગે 6.50 મીટર કૂદકા સાથે જીત્યો છે.

સુધાએ 3000 મીટર સ્ટીપલચેઝમાં સિલ્વર જીત્યો

સુધા સિંહે મહિલાઓની 3000 મીટરની સ્ટીપલચેઝ દોડમાં બીજા ક્રમે આવીને સિલ્વર મેડલ જીત્યો છે.

સુધાએ 9:40.03 મિનિટનો સમય નોંધાવ્યો હતો. પહેલા ક્રમે આવીને ગોલ્ડ મેડલ જીતનાર બેહરીનની વિન્ફ્રેડ યાવીએ 9:36.52 મિનિટનો સમય નોંધાવ્યો હતો.

ધારુન અય્યાસામીએ વિઘ્નદોડમાં રજત જીત્યો

21 વર્ષના ધારુન અય્યાસામીએ પુરુષોની 400 મીટરની હર્ડલ્સ રેસમાં બીજા ક્રમે આવીને સિલ્વર મેડલ જીત્યો છે. ધારુને 48.96 સેકંડનો સમય નોંધાવ્યો હતો જે એનો પર્સનલ બેસ્ટ બન્યો છે.

ધારુનની પહેલા આવનાર કતરના અબ્દેરરહેમાન સામ્બાએ 47.6 સેકંડનો સમય નોંધાવ્યો હતો.

તામિલનાડુના ધારુને ગયા માર્ચમાં ફેડરેશન કપ સ્પર્ધા વખતે 49.45 સેકંડ સાથે રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો હતો. આજે એણે તે વિક્રમ તોડી નાખ્યો છે.