સીએમે કર્યાં બાવળીયાના વિસ્તાર જસદણ-વીંછીયામાં અઢળક લોકાર્પણ, ખાતમુહૂર્ત

જસદણ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજકોટના જસદણ-વીંછીયા વિસ્તારના કનેસરામાં રૂ. 87 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં છેવાડાના અંતિમ માનવી સુધી સુવિધાસભર પ્રાથમિક સેવાઓ પહોંચાડવાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુખ્યપ્રધાન રુપાણીએ જસદણ તાલુકાના કનેસરા ગામે જસદણ તથા વિછીંયા તાલુકાનાં માર્ગ અને મકાન, જળસંપત્તિ તથા પાણી પુરવઠા વિભાગનાં રૂ. ૮૭ કરોડથી વધુના મૂલ્યના લોકવિકાસનાં કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહનું મંગલદીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે પાણીપ્રધાન કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિસ્તારમાં બાવળીયા માટે આ કાર્યક્રમ મહત્ત્વનો બની રહ્યો છે. સીએમે પણ માર્મિક ટીપ્પણી કરતાં કહ્યું હતું કે બોઘરા અને બાવળીયા ભેગાં થાય તો કોંગ્રેસ માટે ચૂંટણીમાં ડિપોઝીપ બચાવવી અઘરી પડે.

આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં પાંચ લોકાર્પણ થયા હતાં. જેમાં રૂ. ૧૪ કરોડનાં ખર્ચથી તૈયાર થયેલું વિછીંયા સેવા સદન, રૂ. ૬ કરોડનાં ખર્ચે હિંગોળગઢ ખાતે તૈયાર થયેલું અશ્વ ઉછેર કેન્દ્ર, રૂ. ૧૪ કરોડનાં ખર્ચે સંપન્ન થયેલું જસદણ-ભડલી-ગઢડા રોડનું વિસ્તૃતિકરણ તેમજ રૂ. ૨૦ કરોડનાં ખર્ચે સંપન્ન્ થયેલ બાબરા થી કોટડાપીઠા પાઇપલાઇનનું અને રૂ. ૧.પ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા ઘેલા સોમનાથ બ્રિજનું  ઈ-તકતીથી લોકાર્પણ કરવામાં આવ્યું  હતું.તેમણે કુલ રૂ. ૩૩ કરોડનાં ખર્ચે નિમાર્ણ થનારા ચાર કામોનું ઈ-તકતીથી સમારોહનાં સ્થળેથી જ ખાતમુહૂર્ત કર્યુ હતું, જેમાં રૂ. ૨૫ કરોડનાં ખર્ચે કમળાપુર-ભાડલા-ભંડારીયા-ભૂપગઢ રોડનું વિસ્તૃતિકરણ કાર્ય, રૂ. પ.૦૨ કરોડનાં ખર્ચે કનેસરા-૨ સિંચાઇ યોજના, રૂ. ૧.૧૨ કરોડનાં ખર્ચે સંપન્ન થવા જઇ રહેલા જસદણ તાલુકાનાં ભાડલા ગ્રૃપ હેઠળની પાઇપલાઇનનાં કામનું અને રૂ. ૧.૯૦ કરોડનાં ખર્ચે સાકાર થનારા જસદણ તાલુકાનાં સાણથલી ગ્રુપની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

પાણી પુરવઠાપ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ સમારોહનાં અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર જસદણ તેમજ વિછીંયા પંથકનાં વિસ્તારનો સંપૂર્ણ વિકાસ સાધવા રાજય સરકાર આપણી સાથે હોવાનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જે ભરોસો આપ્યો હતો તેની  આજે મુખ્યમંત્રીશ્રીએ ૮૭ કરોડથી વધુનાં પ્રોજેકટનાં લોકાપર્ણ- ખાતમુહૂર્ત કરી પ્રતીતિ કરાવી આપી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, જસદણ વિસ્તારની સર્વાંગી કાયાપલટ કરવા માટે રાજય સરકાર મક્કમ છે.રુપાણીના હસ્તે સી.આઇ.એફ.ના શુભ ગ્રામ સંગઠન આસલપુરને અને જય જોગેશ્વર ગ્રામ સંગઠન ખારચીયાને ચેક અપર્ણ કરવામાં આવ્યા હતાં તેમજ ગ્રામોદય યોજના અંતર્ગત ખોડીયાર મિશન મંગલમ ગૃપ લીલાપરને અને ગ્રામ સખી સંઘ દેવપરાને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]