મુંબઈઃ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા રમવા માટે મુંબઈ આવેલી દિલ્હી કેપિટલ્સ ટીમના ખેલાડીઓની બસ પર ગઈ મધરાત બાદના સમયે કથિતપણે હુમલો કરવા બદલ કોલાબા વિસ્તારની પોલીસે પાંચ જણને અટકાયતમાં લીધા છે. આ હુમલાખોરોમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીની ટ્રાન્સપોર્ટ પાંખના ઉપપ્રમુખ પ્રશાંત ગાંધીનો પણ સમાવેશ થાય છે. રસ્તા પર પાર્ક કરવામાં આવેલી દિલ્હી કેપિટલ આઈપીએલ ટીમની બસ પર પાંચથી છ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યા બાદ પોલીસે ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.
હુમલાખોરોએ દિલ્હી ટીમની લક્ઝરી બસ પર પથ્થરમારો કરીને બસની કાચની બારીઓ તોડી નાખી હતી. તે બસને કોલાબા વિસ્તારની તાજ પેલેસ ફાઈવ સ્ટાર હોટેલની બહાર પાર્ક કરવામાં આવી હતી. ખેલાડીઓને આ હોટેલ પર ઉતારો આપવામાં આવ્યો છે. ત્યાંથી એમને બસ દ્વારા સ્ટેડિયમ ખાતે લઈ જવામાં આવનાર હતા. બનાવની જાણ થતાં કોલાબા પોલીસે તરત જ પગલું ભરીને પાંચ જણને અટકમાં લીધા હતા.
આઈપીએલની નવી આવૃત્તિ, જે 15મી હશે તેનો આરંભ 26 માર્ચથી થવાનો છે. બધી મેચો મુંબઈ અને પુણેમાં રમાવાની છે. મુંબઈમાં ત્રણ સ્ટેડિયમમાં મેચો રમાશે – વાનખેડે, સીસીઆઈ (બ્રેબોર્ન) અને ડી.વાઈ. પાટીલ સ્ટેડિયમ (નવી મુંબઈ). પ્રારંભિક મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થવાનો છે. દિલ્હી ટીમનો કેપ્ટન છે રિષભ પંત.
મામલો શેનો છે?
બસ પર હુમલાનો મામલો બસના કોન્ટ્રાક્ટને લગતો છે. મનસે પાર્ટીના વાહતુક (ટ્રાન્સપોર્ટ) વિભાગના કાર્યકર્તાઓ બસોનો કોન્ટ્રાક્ટ મહારાષ્ટ્રની બહારના લોકોને અપાય તેનો વિરોધ કરે છે. દિલ્હી કેપિટલ્સ ટીમના ખેલાડીઓને હોટેલથી સ્ટેડિયમો ખાતે લઈ જવા અને ત્યાંથી પાછા લાવવા માટેનો કોન્ટ્રેક્ટ સ્થાનિક એટલે કે મહારાષ્ટ્રની ટ્રાન્સપોર્ટ-ટ્રાવેલ કંપનીને આપવો જોઈએ એવી મનસેના કાર્યકર્તાઓની માગણી છે.
