ચેન્નાઈઃ ખેતીવાડીને લગતી સમસ્યાઓના ઉપાયો પૂરા પાડતા મેડ-ઈન-ઈન્ડિયા કેમેરા ડ્રોન ‘ડ્રોની’ને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ લોન્ચ કર્યો છે. આ કેમેરા ડ્રોન ગરૂડા એરોસ્પેસ કંપનીએ બનાવ્યો છે. ધોની આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આને એક રીતે કિસાન ડ્રોન કહી શકાય. આ ડ્રોન બેટરીથી ચાલે છે અને તે પ્રતિદિન 30 એકરના જમીનવિસ્તાર ઉપર કૃષિ જંતુનાશકનો છંટકાવ કરવા સક્ષમ છે.
ગરૂડા કંપની કૃષિ જંતુનાશકોનાં છંટકાવ, સૌર્ય પેનલની સફાઈ, ઔદ્યોગિક પાઈપલાઈનની ચકાસણી, મેપિંગ, સર્વે કામગીરી, જાહેર ઘોષણાઓ, ડિલિવરી સેવાઓ વગેરે માટે ડ્રોન પૂરા પાડે છે. કંપનીએ ‘ડ્રોની’ સાથે કન્ઝ્યૂમર ડ્રોનની માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીના સ્થાપક અને સીઈઓ અગ્નિશ્વર જયપ્રકાશનું કહેવું છે કે ‘ડ્રોની’ કેમેરા ડ્રોન આ વર્ષના અંતથી બજારમાં ઉપલબ્ધ થશે.
ધોનીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે કોરોનાવાઈરસના લોકડાઉન દરમિયાન એને ખેતીવાડીમાં રસ જાગ્યો હતો.