કોલકાતાઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી છેલ્લી મેચ રમી હોવાની શક્યતા છે. મહેન્દ્ર સિંહ મેદાનમાં પગ મૂકતાં જ સ્ટેડિયમમાં માહી-માહીના નામના સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા. રવિવારે KKRની સામે મેચમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો, જ્યાં ઈડન ગાર્ડન્સમાં ફેન્સ ચેન્નઈ સુપર કિંગ્સની જરસીમાં નજરે ચઢ્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી સત્તાવાર તરીકે તો કાંઈ નથી કહ્યું, પણ એવું માનવામાં આવે છે કે આ સીઝન ધોનીની IPLમાં છેલ્લી સીઝન થવાની છે. સમયથી પહેલાં મળેલી આ ફેરવેલને ધોનીના દિલ સ્પર્શી લીધી હતી. ધોનીએ મેચમાં કહ્યું હતું કે હું બધાનો ટેકો આપવા બદલ આભાર માનું છું. તેઓ અહીં મોટી સંખ્યામાં છે. તેઓ મને ફેરવેલ આપવાના પ્રયાસ કરી રહ્યા છે. આ બધાનો ખૂબ-ખૂબ આભાર. ધોનીએ અહીં ગ્રાઉન્ડ્સમેનની સાથે ફોટો ખેંચાવ્યા હતા.
દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ટીમે ચેન્નઈ સુપર કિંગ્સે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં પાંચમી જીત નોંધાવી હતી. કોલકાતામાં રમાયેલી આ મેચમાં ચેન્નઈએ કોલકાતા નાઇટરાઇડર્સ પર 49 રનથી જીતી લીધી હતી. હવે ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ આ જીતની સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચે પહોંચી ગઈ છે. અત્યાર સુધીની સાત મેચોમાં પાંચ જીતથી 10 પોઇન્ટ થયા છે. રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપરજાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર અને પંજાબ કિંગ્સના 8-8 પોઇન્ટ છે.