શું રોહિત શર્મા, વિરાટ કોહલી આઈપીએલ-2023 સ્પર્ધા અધવચ્ચેથી છોડી જશે?

મુંબઈઃ આઈપીએલ-2023માં હવે રંગ જામ્યો છે. રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ જોરદાર ફોર્મમાં રમી રહ્યા છે. પરંતુ એક મોટી અપડેટ જાણવા મળી છે તે એ કે અમુક ટોચના ખેલાડીઓએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવા જવું પડે એમ હોવાથી આઈપીએલ-2023ને તેઓ અધવચ્ચે છોડી દેશે.

એક અહેવાલ અનુસાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી આઈપીએલ અડધેથી છોડી દે એવી શક્યતા છે. 7-11 જૂન દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવાની છે. તે મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. એ માટેની ભારતીય ટીમની હજી જાહેરાત થવાની બાકી છે. પરંતુ રોહિત કેપ્ટન હશે અને વિરાટ ટીમમાં સામેલ હશે એમાં બેમત નથી. ટીમ 23 અથવા 24 મેએ લંડન માટે રવાના થશે. આઈપીએલ-2023માં પ્લે-ઓફ્ફ ચરણનો આરંભ 23 મેથી થશે. ફાઈનલ મેચ 28 મેએ રમાવાની છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમો આઈપીએલ-2023ના પ્લે-ઓફ્ફ ચરણમાં પહોંચી નહીં શકે તો રોહિત અને વિરાટ લંડન જવા રવાના થશે. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત હોવાથી એની જગ્યાએ અજિંક્ય રહાણેની પસંદગી ફાઈનલ મેચ માટે કરાય એવી શક્યતા છે. સૂર્યકુમાર યાદવને હજી ટેસ્ટ ક્રિકેટનો પૂરો અનુભવ નથી..

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતની સંભવિત ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ.