અર્જુન તેંડુલકરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી આઈપીએલ-2023ની મેચ અર્જુન તેંડુલકર માટે ડેબ્યૂ મેચ બની છે. દંતકથાસમાન ક્રિકેટર સચીન તેંડુલકરનો પુત્ર અર્જુન આ પહેલી જ વાર આઈપીએલ સ્પર્ધામાં રમી રહ્યો છે. તેને મુંબઈ ઈન્ડિયન્સની ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે. આઈપીએલમાં કોઈ પિતા-પુત્રની જોડી રમી હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. અર્જુનને રમતો જોવા માટે તેના તમામ પરિવારજનો વાનખેડે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અર્જુનને રિલાયન્સ ગ્રુપની માલિકીવાળી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2022ની આઈપીએલ વખતે ખેલાડીઓની હરાજીમાં રૂ. 30 લાખની બેઝ કિંમતે ખરીદ્યો હતો. તેને ગયા વર્ષે રમવા મળ્યું નહોતું. મુંબઈ ટીમે સ્પર્ધાની આ વખતની 16મી આવૃત્તિ માટે અર્જુનને જાળવી રાખ્યો છે. કોલકાતા ટીમના દાવ વખતે રોહિત શર્માની જગ્યાએ સૂર્યકુમાર યાદવે મુંબઈ ટીમનું સુકાન સંભાળ્યું હતું. રોહિત આજની મેચમાં ઈમ્પેક્ટ સબ્સ્ટિટ્યૂટ ખેલાડી તરીકે રમ્યો છે અને તે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો.

અર્જુને તેની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી ગયા વર્ષે મુંબઈ વતી રમીને કરી હતી, પરંતુ બાદમાં એ ગોવાની ટીમમાં જોડાઈ ગયો હતો. પરંતુ ડિસેમ્બર-2022માં એ ડાબોડી ફાસ્ટ બોલર તરીકે મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં સામેલ કરાયો હતો. સચીન તેંડુલકર 76 આઈપીએલ મેચ રમ્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમ્યા હતા. એમાં તેમણે 2,281 રન કર્યા હતા. એમનો હાઈએસ્ટ સ્કોર 100 રન હતો. તે ઉપરાંત એમણે 13 હાફ સેન્ચુરી પણ ફટકારી હતી.