શ્રીલંકાના કુસલ પરેરાએ ફટકારી વર્તમાન વર્લ્ડકપની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચૂરી

બેંગલુરુઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં આજે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની આખરી લીગ મેચમાં શ્રીલંકાના કુસલ પરેરાએ વર્તમાન આવૃત્તિની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી. પરેરાએ 22 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. આ સાથે તે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ફટકારનાર બીજા નંબરનો સંયુક્ત બેટર બન્યો છે. પહેલા નંબર પર એની જ ટીમનો એન્જેલો મેથ્યૂઝ છે, જેણે 2015ની વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામેની મેચમાં 20 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. 22 બોલમાં હાફ સેન્ચુરી ફટકારનાર શ્રીલંકાનો અન્ય બેટર છે દિનેશ ચાંદીમલ.

વર્તમાન વર્લ્ડ કપ સ્પર્ધામાં પરેરાની પહેલાં ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારવાની સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના ટ્રાવિસ હેડ અને શ્રીલંકાના જ વિકેટકીપર કુસલ મેન્ડિસના નામે હતી. આ બંનેએ અનુક્રમે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. આજની મેચમાં, કુસલ પરેરા આખરે 28 બોલમાં 51 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. શ્રીલંકાની ટીમ 46.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.